મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ધીરો પદ ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૩

ધીરો

૩. જેને પિયુ મળવાનો પ્રેમ હોય

જેને પિયુ મળવાનો પ્રેમ હોય તે,
આવો દેશ અમારે જો;
આડે અર્ણવે ઊતરી નાવડું,
આવે છે આરે જો.

દૂર બતાવે નાથને,
તેને પ્રગટ પાસે દેખાડું જો;
એક સદ્ગુરુની કૃપા વડે,
તેને બ્રહ્મલોક પહોંચાડું જો.

એક અચરજ મારા દેશમાં,
ગૌવાં ને સિંહ રમે ભેળાં જો;
અવળાંનાં સવળાં થયાં,
કરમદીએ લાગ્યાં કેળાં જો.

એક સદા પૂનમ મારા દેશમાં,
અમાસ ભુવન નવ આવે જો;
શીત ને તાપ વ્યાપે નહીં,
એક બકરો બળદને ધાવે જો.

એક સદા પૂનમ મારા દેશમાં,
અમાસ ભુવન નવ આવે જો;
શીત ને તાપ વ્યાપે નહીં,
એક બકરો બળદને ધાવે જો.

એક અમૃતફળ મારા મુલકમાં,
તેના ભોગદારી ત્રિપુરારિ જો;
ભરે વારિ દોરી-ગાગર વિના,
સુરતા સોહાગણ પણિયારી જો.

એક અઝડ ઝડે પરજન્ય પડે,
પૃથ્વીનાં પડ રહ્યાં કોરાં જો;
પોઢ્યા હંસરામ ચોગાનચોતરે,
તેને અંગે ન અડકે ફોરાં જો.

એક કંઠ વિના ગાય નાયકા,
ને ચર્ણ વિના તે ચાલે જો;
એક ધીર સખી પિયુ પાસ રમે,
મહાનંદ સુખ મહાલે જો.