મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિરાંત પદ ૩

પદ ૩

નિરાંત

અનુભવ એવો રે
અનુભવ એવો રે, અંતર જેને ઉદે થયો;
કૃત ટળ્યાં તેનાં રે, તેણે તેનો આત્મા લહ્યો. (ટેક)

આતમદરશી તેને કહીએ, આવરણ નહિ લગાર,
સર્વાતીત તે સર્વનો સાક્ષી, ખટ વિશ્વમાં નિરધાર;
તેથી પર પોતે રે, એકાએકી આપ રહ્યો.          અનુભવ૦
એ વાત કોઈ વિરલા જાણે, કોટિકમાં કોઈ એક,
નામ વિનાની વસ્તુ નીરખે, એ અનુભવીનો વિવેક;
મુક્તપદ માટે રે, દ્વૈતભાવ તેને ગયો.          અનુભવ૦

અદ્વૈતપદની ઈચ્છા નહીં, અણઈચ્છાયે થાય.
યથારથ પદ જેને કહીએ, જેમ ઉપજે તેમ જાય;
પ્રૌઢ પ્રવ્હાનો રે, સંસાર જાયે વહ્યો.          અનુભવ૦

જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરીયા, તુરીયાતીત પદ તેહ,
સ્થૂલ સૂક્ષ્મને કારણ કહીએ, મહાકારણથી પર જેહ;
પરાપર જે પરખે રે, જેને નેતિ નેતિ વેદે કહ્યો.          અનુભવ૦

હંસ-હિતારથ જે જન કહીએ, તે જન સત્યસ્વરૂપ,
તે જનની જાવું બલિહારી, જે સદ્ગુરુનું રૂપ;
નિરાંત નામ નિત્ય રે, અનામી નામે ભર્યો.          અનુભવ૦