મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિષ્કુળાનંદ પદ ૧

પદ ૧

નિષ્કુળાનંદ

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી;
અંતર ઊંડી ઈચ્છા રહે, તે કેમ કરીને તજાય જી?          ત્યાગ

વેષ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી;
ઉપર વેષ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી.          ત્યાગ

કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી;
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી.          ત્યાગ

ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી;
ઘન વરસે, વન પાંગરે, ઈંદ્રિ વિષય આકર જી.          ત્યાગ

ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી;
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી.          ત્યાગ

ઉપર તેજ ને અંતર ભજે, એમ ન સરે અરથ જી;
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી.          ત્યાગ

ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી;
ગયું ધૃત-મહી માખણ થકી, આપે થયું રે અશુદ્ધ જી.          ત્યાગ

પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી;
નિષ્કુળાનંદ એ નરનો, વણસમજ્યો વૈરાગ જી.          ત્યાગ