મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિષ્કુળાનંદ પદ ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૨

નિષ્કુળાનંદ

જંગલ વસાવ્યું રે જોગીએ, તજી તનડાની આશજી;
વાત ન ગમે આ વિશ્વની, આઠે પહોરે ઉદાસજી.          જંગલ

સેજ પલંગ રે પોઢતા, મંદિર ઝરૂખા માંયજી;
તેને નહીં તૃણસાથરો, રહેતા તરુતળ-છાંયજી.          જંગલ

શાલ-દુશલા ઓઢતા, ઝીણા જરકશી જામજી.
તેણે રે રાખી કંથા-ગોદડી, સહે શિર શીત-ધામજી.          જંગલ

ભાવતાં ભોજન જમતા, અનેક વિધનાં અન્નજી;
તેણે રે માગવા લાગ્યા ટુકડા, ભિક્ષા ભવને ભવનજી.          જંગલ

હાજી રે કહેતાં હજારો ઊઠતા, ચાલતા લશ્કર લાવજી;
તે નર ચાલ્યા રે એકલા, નહીં પેંજાર પાવજી.          જંગલ

રહો તો રાજા, રસોઈ કરું, જમતા જાઓ જોગી રાજજી;
ખીર નિપજાવું ક્ષણ એકમાં, તે તો ભિક્ષા કાજજી.          જંગલ

આહાર-કારણ ઊભો રહે, એકની કરી આશજી,
તે જોગી નહીં ભોગી જાણવો, અંત થાય છે વિનાશજી.          જંગલ

રાજ સાજ સુખ પરહરી, જે જન લેશે રે જોગજી;
તે ધન-દારામાં નહિ ધસે, રોગ સમ જાણે ભોગજી.          જંગલ

ધન્ય તે ત્યાગ-વૈરાગ્યને, તજી તનડાની આશજી
કુળ રે ત્યજીને નિષ્કુળ થયા, તેનું કુળ અવિનાશજી.          જંગલ