મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રીતમ પદ ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૨

પ્રીતમ

હરિનો મારગ છે શૂરાનો
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભો જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા માટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામઅમલમાં રાતા માતા, પૂરા પ્રેમી જન જોને;
પ્રીતમના સ્વામીની લીલા, નીરખે રજનીદિન જોને.