મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી પદ ૧


પદ ૧

વિશ્વનાથ

પદ: ૧ (રાગ: ગોડી)[દુહા]
કેહે દેવકી શ્રીકૃષ્ણને "સાંભલ્ય માહારા તંન
મોહનજી મથુરા વિષે શે નથી માનતું મંન?          ૧

હું આપું સારી સુખડી માહારા સુંદર શાંમ શરીર
નીસાસો ઊંડો કરી કાં નેત્રે ભરો છો નીર?"          ૨
[ગીત]
આતાજી! એમ ન કીજિયે, બલેહારી રે,
મુંને કોહોની મનની વાત; બલા લેઉં તાહારી રે.          ૩

જશોદાજી આહાં તેડાવિયે, બલેહારી રે,
જે જાણે તાહારી વાત, બલા લેઉં તાહારી રે.          ૪
નંદજી સું છે વેગલા, બલેહારી રે,
તેહેને સાદ કરાવું આજ; બલા લેઉં તાહારી રે.          ૫

માહારા સમ, મુખથી કોહો, બલેહારી રે,
મૂકી મનની લાજ; બલા લેઉં તાહારી રે.          ૬

વાહાલા જે ગોવાલિયા, બલેહારી રે,
તેહેનાં મંડાવોની નામ; બલા લેઉં તાહારી રે.          ૭

કોહો તે મથુરામાં કરું, બલેહારી રે,
ન ઉત્તમ ગોકુલ ગામ; બલા લેઉં તાહારી રે.          ૮

ગાયો ઘણી ઘેર આપણે, બલેહારી રે,
જો માયા તેહેની હોય; બલા લેઉં તાહારી રે.          ૯

માખણ પરઘરનું ભાવે, બલેહારી રે,
તો ઈચ્છે છે સહુ કોય, બલા લેઉં તાહારી રે.          ૧૦

શું મોરપીછ મલતાં નથી? બલેહારી રે,
બહુ ગુંજાના છે હાર; બલા લેઉં તાહારી રે.          ૧૧

કામલી કારણ કાહાનજી! બલેહારી રે,
આ શી આંસુડાંની ધાર, બલા લેઉં તાહારી રે.          ૧૨

સરસ વંસ સોનાતણો, બલેહારી રે,
હીરે જડિત્ર લ્યો હાથ, બલા લેઉં તાહારી રે.          ૧૩
માંકડાં શું મલતાં નથી? બલેહારી રે,
ગોપી ગોવાલાનો સાથ; બલા લેઉં તાહારી રે.          ૧૪

જો દાણ લેવું મનમાં ગમે, બલેહારી રે,
તો જ્યમલો જમુનાંનો ઘાટ; બલા લેઉં તાહારી રે.          ૧૫

મનુસમાત્ર આવી ચઢે, બલેહારી રે,
આ વ્રીંદાવનની વાટ; બલા લેઉં તાહારી રે.          ૧૬

શું મહિયારી મથુરાં નથી? બલેહારી રે.
જો ભાવે તેહની છાશ; બલા લેઉં તાહારી રે.          ૧૭

વિશ્વનાથ વાહાલા ઘણું, બલેહારી રે,
નિશદિન રાખીશ પાસ; બલા લેઉં તાહારી રે.          ૧૮