મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી પદ ૧૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧૫

વિશ્વનાથ

(દુહો)
કેહે જ્યશોદા: ‘વાહાલ ઘણું એહને અમ્યો અપાર.
એજ જિવાડવાનો ખપ કરો તો અહીં આવો એક વાર.          ૧

આવી માગે સુખડી, ‘માડી’ કહી વચંન;
ઉદ્ધવ! બીજી વાતથી ક્યમે ન માને મંન.          ૨

(ગીત)
એક વાર જો આવે, ઉદ્ધવ! એક વાર જો આવે;
મુખ જોઈ મનડાને ઠારું, ‘માડી’ કહી બોલાવે...ઉદ્ધવ.                   ૩
હું અણલેહેતીએ એમ ન જાણ્યું, જે જ્યદુપતિજી જાશે;
લક્ષ લાડ કરી કરગરતો જે પુત્ર પિઆરો થાશે...ઉદ્ધવ.          ૪
વાત કરી તે કોયે ન માને, પોહોચે નહીં વિમાસે;
અતિ વાહાલાને વિરહ આપવો એ કો પ્રીછે આશે...ઉદ્ધવ.          ૫

સુંદર મુખ પર જ્યુગ આખાની શોભા સઘલી વારું;
ચુંબન કરી રુદેશું ચાંપી ખોલામાંહે બેસાડું...ઉદ્ધવ.          ૬

વિનય કરી વીગત્યશું પૂછું, રીસડલી ઉતારું;
કોમલ કર બાંધા મેં માડી, તે મન દુખાણું તાહારું?...ઉદ્ધવ.          ૭

‘હું ભૂખ્યો છું; ધવરાવો, માડી’ કેહેતાં ગઉ હું દોહોતી;
ટલવલતો ત્રીકમને મૂકી ગોરશ ઘણાં વલોતી...ઉદ્ધવ.          ૮

મોહનજી મથુરાં જઈ બેઠો, તે ગત્ય શમણે નોહોતી.
કામ કરી જોતી કેશવને, અતિ અભ્યંતર મોહોતી...ઉદ્ધવ.          ૯

પરી કરી પીતાંબરની પેહેરી ક્યવારે કહીં નીસરતો;
અંગ રૂડું આભ્રણે ઓપતું, કોડ ઢાપલાં કરતો...ઉદ્ધવ.          ૧૦

નરનારીની દૃષ્ટે પડતો, તેહેનાં ચિતને હરતો;
હું ચીતવતી આગળ આવું, એહેવું એ આદરતો...ઉદ્ધવ.          ૧૧

ખીટલિયા શુભ કેશ ગૂંથતી બલે કરીને બેસાડી;
મુખ ધોઈને તિલક સારતાં, આંખ્ય ઠારતો માહારી...ઉદ્ધવ.          ૧૨

અંજન કરી કમલદલલોચ્યન, કંઠ બાંહોડી ધારી;
‘માજી! સુખડી મુજને આપો!’ તે માયા ક્યમ ઉતારી?...ઉદ્ધવ.          ૧૩
ટોલાં વ્રીજ્યવિનતાનાં આંગણથી ક્યવારેકું નવ્ય ટલતાં,
સરસદનાં મોહ્યાં સહુ કો મોરલ અરથે મલતાં...ઉદ્ધવ.          ૧૪

વનવીથિ ગ્રહે વૃંદારવાટિકા, પગ પગ પૂંઠલ પલતાં;
હું નીખણી એમ કહીને બોલતી, હશી સરવે સાંભલતાં...ઉદ્ધવ.          ૧૫

પંચરાત્રિનું પુણ્ય હતું તે, જાણું છું જે ટલિયું,
સુખ પૂંઠે દુ:ખ વલગું આવે, તે વચન શાસ્રનું મલિયું...ઉદ્ધવ.          ૧૬

અમૃત આવ્યું’તું કરમાંહે, ઓછે કરમે ઢલિયું,
‘જલહલતો એ બ્રહ્મ કાહાનજી’, વ્રીજ્યવાસીને નવ્ય કલિયું...ઉદ્ધવ.          ૧૭

એક ઘડી એ સુખની કહાણી, કેહેતાં બહુ જ્યુગ જાએ,
કોટિ જીભાયે વઈભવ વરણવતાં, તોહે પૂરણ નવ્ય થાયે...ઉદ્ધવ.          ૧૮

ઉદ્ધવ! કીડીને મુખ કોહોલું, કોહો, કેહીવિધિ સમાયે?
જ્યાની સરખા કવિ કલિજ્યુગમાં શું ગોકુલ લીલા ગાયે?...ઉદ્ધવ.          ૧૯