મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી પદ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૪

વિશ્વનાથ

(રાગ મારુ)
[દુહો]
વિવિધ વચન વિનતાનાં સાંભલી, એમ વદે, વાસુદેવ:
‘સુતના હિતને કારણે કારજ કરવું ખેવ.’
આલસ મૂકો, માન્યની! જે મુંને પૂછો વાત;
લાટે પાટે નવ્ય થાયે આ મોહનજીની માત.’
[ગીત]
ગેહેલી! ગોકુલની શી વાત?
પૂરણ ક્રિપા પાખિ નહીં થવાયે નંદ જ્યશોદા માતા;
જ્યેહેને ખોલે રમ્યા રસિકવર, જનમથકી મા જાણી રે,
ઉછેરીને આવડો કીધો, અંતર બહુ હેત આણી;          ગેહેલી

મુખ જોઈ મોહનજી કેરું ઠાર્યો જ્યેણીએ પ્રાણી રે,
અવધ વિના એહેવાં સુખ પામી નંદજીની રાણી;          ગેહેલી

જ્યેહેનું પય પ્રેમેશુ પીધું, માડી કહી બોલાવી રે,
સાંહાંજ સહવારે માગી સુખડી લાજ રુદેમાં ના’વી;          ગેહેલી

જ્યશોદાજીએ જે જે આપી તે ભૂધરને મન ભાવી રે,
ત્રિભોવનમાંહે તરી તે તારુણી જે માત કૃષ્ણની કહાવી;          ગેહેલી

ત્રણ્ય કાલ તાપેસ સંભારે, લક્ષ પેર લે લાઈ રે,
સહસ્રવાર સમરે શ્રોણામાં, નવ્ય હેલો જે દેખાઈ;          ગેહેલી

તે આલિંગન દે આફણિયે, કોટે વલગે ધાઈ રે,
મરકલડાં કરતું મુખ ચ્યૂંબૂં: વાહાલી માહારી આઈ;          ગેહેલી

જ્યેહેનો જશ બ્રહ્માદિક સરખા ચ્યાહારે વેદ વખાણે રે,
શેષ રેખ ગુણ ગાતો ન રહે, થોડાં મુખ મન આણે;          ગેહેલી

તે ભૂધર ‘ભૂખ્યો છું’ કહીને પ્રેમે પાલવ તાણ્યો રે,
નંદ નારીયે નાંધડિયાને કાલો કુંઅર જાણ્યો;          ગેહેલી

‘આવ્ય,કુંઅર!’ કહી ગ્રહી બાંહોડી, અંગ અલૌકિક ધોયાં રે,
શિશુપણે પ્રાક્રમ બહુ કીધાં, નંદ જ્યશોદાયે જોયાં;          ગેહેલી

રાઢ કરી રોતો; કેશવનાં અબલાયે આંસુ લોહ્યાં રે,
કોણ મનોહર મુખડું જોઈને મનડાં બેહુનાં મોહ્યાં;          ગેહેલી

આપણપેં અદકેરાં સાધન નંદ જ્યશોદાયે કીધાં રે,
ગાય ચારવા સરખાં કારજ્ય જોટ કૃષ્ણને દીધાં;          ગેહેલી

મહી માખણને કાજ્યે જ્યેણીએ માંડ મારવા લીધાં રે,
જાની જાણે છે, જનુની થઈ અમૃત આંખડીએ પીધાં રે;          ગેહેલી