મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૧

પદ ૧

પ્રેમસખી

નહીં મેલું રે સુંદર શ્યામ
નહીં મેલું રે સુંદર શ્યામ, કુંજ વિહારી રે;
હું તો દામ વિનાની નાથ, દાસી તમારી રે.
તમે ગુણવંત સુખના ધામ, સારંગપાણિ રે;
હું તો હાથે તમારે નાથ–જી વેચાણી રે.

જેમ રાખો તેમ રહું નાથ, એક પગે ઊભી રે;
નહીં વરતું કોઈ દિન નાથ, તમને દૂભી રે.

તારાં ચરણ તણી રજ શ્યામ, થઈને ચાલું રે;
કહો તો વ્રત રાખું વ્રજરાજ, તમને વ્હાલું રે.

જે કહેવું ઘટે તે ક્હાન, મુજને કહેજો રે;
વ્હાલા પ્રેમાનંદ પર નાથ, રાજી રહેજો રે.