મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૨

પદ ૨

પ્રેમસખી

મને મારી વ્હાલે નેણકટારી રે
મને મારી વ્હાલે નેણકટારી રે, સજની હું તો નહીં જીવું,
મારે ઘાવ લાગ્યો અતિ ભારી રે,
દરદે પાણી હું નહીં પીઉં.          મને
એક કટારી બીજી મારી છે ભાલે,
હાં રે ચકચૂર કીધી છે નંદલાલે રે.          સજની
પ્રેમ કટારી મારા અંગમાં રે વાગી,
હાં રે મેં તો જીવત આશા ત્યાગી રે.          સજની
વેંધી વાલેજી આંખડલીની અણીએ,
હાં રે હવે રાતદિવસ કણકણીએ રે.          સજની
પ્રેમાનંદને વ્હાલે હસીને રે હરીએ,
હાં રે કરી ઘાયલ બજાડી બંસી ઘેરી રે.          સજની