મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૩

પદ ૩

પ્રેમસખી

મુને વહાલા છો...

મુને વહાલા છો પ્રાણથી નાથ રે, સુંદર શામળિયા,
મારો જીવડો ફરે છે તમ સાથ રે, સુંદર શામળિયા.

મારાં નેણાં ચકોર, તમે ચંદ રે, સુંદર શામળિયા,
તમને જોઉં ત્યારે આનંદ રે, સુંદર શામળિયા.

પ્રીત કોયલ, તમે ઋતુરાજ રે, સુંદર શામળિયા,
તમ વિના થાયે છે ઘણી દાઝ રે, સુંદર શામળિયા.

મારું ચિત ચાતક, સ્વાત શ્યામ રે, સુંદર શામળિયા,
તમ વિના બીજું હરામ રે, સુંદર શામળિયા.

મન મીન, તમે સાગર પીવ રે, સુંદર શામળિયા,
તમ વિના તલપી જાયે જીવ રે, સુંદર શામળિયા.

ધનશ્યામ તમે, હું છું મોર રે, સુંદર શામળિયા,
તમ વિના મરું છું કરી શોર રે, સુંદર શામળિયા.

હું તો ભ્રમર, કમળ તમે માવ રે, સુંદર શામળિયા,
આજ આવ્યો છે મારો દાવ રે, સુંદર શામળિયા.

તારા મુખડા જોયાની તાણ રે, સુંદર શામળિયા,
આવો પ્રેમસખીના પ્રાણ રે, સુંદર શામળિયા.