મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૪

પ્રેમસખી

હાં રે વેણ વાગી

હાં રે વેણ વાગી રે વેણ વાગી,
હાં રે હું તો ઓચિંતાની ઝબકીને જાગી રે.          વેણ

હાં રે મધ્યરાતે વગાડી અલબેલે,
હાં રે નંદલાલે રંગીલે રંગ છેલે રે.          વેણ

હાં રે વહાલે મંત્ર ભણીને વજાડી,
હાં રે ભરી નિદ્રામાં સૂતી જગાડી રે.          વેણ

હાં રે વાંસળીએ મારી પાંસળી વીંધી,
હાં રે બા’રે નિસરી કાળજડું છેદી રે.          વેણ

હાં રે મારા પ્રાણ હર્યા પાતળિયે,
હાં રે હવે ક્યારે મોહનજીને મળિયે રે.          વેણ

હાં રે પ્રેમાનંદ કહે ઊઠી ઘેલી સરખી,
હાં રે ખૂંતી ચિત્તમાં મૂરતિ ગિરધરકી રે.          વેણ