મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૫

બ્રહ્માનંદ

કે મોહી હું તો નટવરને વાને

કે મોહી હું તો નટવરને વાને, કે કીધી વશ ડોલરિયે કાને રે,
કે ચિતડામાં લાગી ચટકી, કે લોક તણી લજ્યા પટકી,
કે નંદના નંદન સાથે અટકી રે.          મોહી–૧

કે જીવી જીવને શું પરણું, કે જેના શિર ઉપર મરણું
કે સમરથનું લીધું શરણું રે.          મોહી–૨

કે થઈ પુરુષોત્તમથી પ્રીતિ, કે નથી હું તો લોક થકી બ્હીતી,
કે જગપતિ વરી હું તો જગ જીતી રે.          મોહી–૩

કે અચળ વાત મુને ઓળખાણી, કે થઈ મારે સર્વ દુખની હાણી
કે પ્રીતમ સુખ રાખ્યું પાણી રે.          મોહી–૪

કે થિર થઈ અંતરમાં ડરિયું, કો કાને મારું મન ગમતું કરિયું,
કે બ્રહ્માનંદનું કારજ સરિયું રે.          મોહી–૫