મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભાણસાહેબ પદ ૪

પદ ૪

ભાણસાહેબ

સદ્ગુરુ સાહેબ સઈ કર્યા
સદ્ગુરુ સાહેબ સઈ કર્યા જેણે પ્રેમ જ્યોતિ પરકાશી રે,
અખંડ જાપ આયો આતમ રો, કટી કાલકી ફાંસી...
–મેરે સતગુરુ, પ્રેમ જ્યોતિ પરકાશી રે...૦

ગગન ગરજીયા શ્રવણે સુણીયા મેઘ જ બારે માસી રે,
ચકમ દામની ચમકન લાગી દેખ્યા એક ઉદાસી...
–મેરે સતગુરુ, પ્રેમ જ્યોતિ પરકાશી રે...૦

ગેબ તણા ઘડીયારા વાગે દ્વૌત ગયા દળ નાસી રે,
ઝીલપણામાં ઝાલર વાગી ઉદય ભયા આવીનાશી...
–મેરે સતગુરુ, પ્રેમ જ્યોતિ પરકાશી રે...૦

મહી વલોયા માખન પાયા ધૂત તણી ગમ આસી રે,
ચાર સખી મીલ ભયા વલોણ અમર લોકકા વાસી...
–મેરે સતગુરુ, પ્રેમ જ્યોતિ પરકાશી રે...૦

સપ્ત દીપ ને સાયર નાહીં, નહીં ધરણી આકાશી રે,
એક નિરંતર આતમ બોલે, સો વિધ વીરલા પાસી...
–મેરે સતગુરુ, પ્રેમ જ્યોતિ પરકાશી રે...૦

ગેબ નિરંતર ગુરુ મૂખ બોલ્યા, દેખ્યા શ્યામ સુવાસી રે,
સ્વપ્ને ગયા ને સાહેબ પાયા, ભાણ ભયા સમાસી...
–મેરે સતગુરુ, પ્રેમ જ્યોતિ પરકાશી રે...૦