મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભોજો પદ ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૫

કાચબો કહે છે કાચબીને...
કાચબો કહે છે કાચબીને, તું રાખની ધારણ ધીર;
આપણને ઊગારશે વ્હાલો, જુગતેશું જદુવીર.
ચિંતા મેલી શરણે આવો રે, મરવા તુંને નહિ દ્યે માવો રે.

વારતી’તી તે સમે તેં શા વાસ્તે, મારું કંથ! ન માન્યું કહેણ?
કાળ આવ્યો, કોણ રાખશે? તમે નીચાં ઢાળો નેણ;
પ્રભુ તારો ન આવિયો પ્રાણી રે, માથે આવી મોતનિશાની રે.

અબળાને ઇતબાર ન આવે, કોટિ કરોને ઉપાય;
કહ્યું ન માને કોઈનું રે, એ તો ગાયું પોતાનું ગાય;
એવી વિશ્વાસવિહોણી રે, પ્રથમ તો મત્યની પોણી રે.

કાચબી કહે છે, ક્યાં છે તારો, રાખનહારો રામ?
હરિ નથી કેના હાથમાં રે, તમે શું બોલો છો શ્યામ?
મરવાટાણે મતિ મૂંઝાણી રે, ત્રુટ્યા પછી ઝાલવું તાણી રે.

ત્રિકમજી! ત્રણ લોકમાં મારે, તારો છે ઇતબાર;
અટક પડી, હરી આવજો રે, મારા આતમાનો ઉદ્ધાર.
છોગાળા! વાત છે છેલી રે, ધાજો બુડ્યાના બેલી રે.

કાચબી કહે છે, કોણ ઉગારે? જાતો રહ્યો જગદીશ;
ચોય દિશેથી સળગી ગયું, તેમાં ઓરીને વિચોવીચ;
જેનો વિશ્વાસ છે તારે રે, તેનો ઇતબાર નહિ મારે રે.

બળતી હોય તો બેસને મારી પીઠ પર, રાખું પ્રાણ!
નિંદા કરો છો નાથની રે, એ તો મારે છો મુને બાણ;
વ્હાલો મારો આવશે વા’રે રે, ઓર્યામાં ઉગારવા સારુ રે.

કાચબી કહે, કિરતાર ન આવ્યો, આપણો આવ્યો અંત;
પ્રાણ ગયા પછી પહોંચશે રે, તમે તેશું બાંધો મર! તંત;
આમાંથી જો આજ ઊગરીએ રે, તો બ્હારો કદી પગ ન ભરીએ રે.

વિઠ્ઠલજી, મારી વિનતિ સુણી, શામળા, લેજો સાર;
લીહ લોપાશે લોકમાં રે, બીજી વાંસે કેની વ્હાર;
હરિ, મારી હાંસી થાશે રે, પ્રભુપ્રતીતિ જાશે રે.

કેશવજીને કરુણા આવી, મોકલ્યા મેઘ-મલ્હાર;
આધરણમાંથી ઉગારિયો આવી કાચબાને કિરતાર;
ભોજલ ભરોંસો આવશે જેને રે, ત્રિકમજી તારશે તેને રે.