મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભોજો પદ ૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૬

હરિજન હોય તેણે
હરિજન હોય તેણે હેત ઘણું રાખવું,
નિજ નામ ગ્રહીને, નિર્માન રહેવું;
ત્રિવિધના તાપને જાપ જરણા કરી,
પરહરી પાપ રામ નામ લેવું... હરિજન ૧

સર્વથી નરસ રહી સરસ સહુને કહી,
આપ આધીન થઈ દાન દેવું;
મન કર્મ વચને કરી નિજ ધર્મ આદરી,
દાતા ભોક્તા હરિ એમ કહેવું... હરિજન ૨

અડગ ન ડોલવું અધિક ન બોલવું,
ખોલવી ગુંજ તે પાત્ર ખોળી;
દીન વચન દાખવું ગંભીરપણું રાખવું,
વિવેકીને ન કરવી વાત પોળી... હરિજન ૩

અનંત નામ ઉચ્ચારવું તરવું ને તારવું,
રાખવી ભક્તિ તે રાંક દાવે;
ભક્ત ભોજે કહે ગુરુપ્રતાપથી,
ત્રિવિધના તાપ તેને નિકટ ના’વે... હરિજન ૪