મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૬

મનોહર સ્વામી

નિત્ય પ્રકાશક નાથ નૃસિંહ, માયા નિશા નિવારોરે.          ટેક

અહંકારરૂપી ઘન ઘાટો, ચોદશથી અંઘાર્યોરે;
મહા મમતા જલ મોટી ધારે, વરસે છે ચોધાર્યોરે.          નિત્ય. ૧

સ્વસ્વરૂપનો પંથ ન સૂઝે, ફોગટ ફરી ફરી હાર્યોરે;
નિજાનંદ નિજ જનને દેવા, અંતર આપ પધારોરે;          નિત્ય. ૨

કામ ક્રોધ મદ મચ્છર લૂટે, આશા દે લલકારોરે;
જ્યમ જ્યમ સુખ સાચવણી કરીયે, ત્યમ ત્યમ ક્લેશ વધારોરે.          નિત્ય.૩

જલધર હર વૈરાગ સ્વરૂપી, વાયુ વેગ વધારોરે;
જ્ઞાન દિવાકરને પ્રગટાવી, તમ ભય સહિત વિડારોરે.          નિત્ય.૪

દયાદિક સાહકનું બલ, આપી કારજ સારોરે;
મનોહર મનમથ દૂર કરી ભવ, પલમાં પાર ઉતારોરે.          નિત્ય.૫