મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મામેરું કડવું ૧૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧૬

પ્રેમાનંદ

રાગ ધન્યાશ્રી
કોડ પહોંત્યાં કુંવરવહુના, ટળ્યું ભવનું મહેણું જી;
મનગમતી પહેરામણી પામ્યાં, જેહને જેવું લહેણું જી.          ૧

નાગરી નાત, કુટુંબ, પડોશી, ચાકર, કોળી, માળી જી;
પહેરામણી સહુ કોને પહોંચી, વાચા પ્રભુએ પાળી જી.          ૨

સોળે શણગાર કુંવરીને આપ્યા, મહેતાને દીધાં માન જી;
છાબમાં બે પહાણ કનકની મૂકી થયા અંતર્ધાન જી.          ૩

સભા સહુ કો વિસ્મય પામી: ‘અલૌકિક શેઠશેઠાણી જી;’
મહેતાને સહુ પાયે લાગે, ભક્તિ સાચી જાણી જી.          ૪

કુંવરબાઈની નણદી આવી, બડબડતી મુખ મરડે જી;
‘પહેરામણી કોને નવ પહોંતી,’ કોને નામે ભરડે જી.          ૫

‘પહેરામણી પરન્યાતી પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી;
એક કટકો કાપડું નવ પામી પુત્રી મારી ફૂલફૂલી જી.          ૬

મુને આપ્યું તે પાછું લ્યો, ભાભી! રાખડીબંધામણ જી,
નામ મહેતો પણ ન હોય નાગર, દીસે દુર્બળ બ્રાહ્મણ જી’          ૭

કુંવરબાઈ પિતા કને આવી: ‘પિતાજી! હવે શું થાશે જી?
આટલું ખરચતાં મહેણું રહ્યું માથે, હવે કેમ જિવાશે જી?          ૮
વીસરી દીકરી નણંદ કેરી, નાનબાઈ જેનું નામ જી;
છ મહિનાની છોકરી ભૂલી, એક કાપડાનું કામ જી.’          ૯

મહેતોજી કહે: ‘પુત્રી મારી! સમરો શ્રીગોપાળ જી;
એક તાંતણો હુંથી ન મળે, બેઠો વજાડું તાળ જી.’          ૧૦

ફરી ધ્યાન ધર્યું માધવનું: ‘ત્રિકમ! રાખો ટેક જી,’
પંચરંગનુ ગગન વિષેથી પડ્યું કાપડું એક જી.          ૧૧

નણદી સંતોષ્યાં કુંવરબાઈએ, મહેતે માગી વિદાય જી;
સહસ્ર મહોર, સોનાના પહાણા, મૂક્યા તે છાબ માંહ્યા જી.          ૧૨

નાગરલોક સહુ પાયે લાગે, પૂજે, કરે વખાણ જી;
જૂનેગઢ મહેતોજી આવ્યા, સમર્યા સારંગપાણ જી.          ૧૩

વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ જી;
ચતુર્વિંશી જ્ઞાની બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ જી.          ૧૪

સંવત સત્તર ઓગણચાળો, આસો સુદિ નવમી રવિવાર જી;
પૂરણ ગ્રંથ થયો તે દિવસે યથાબુદ્ધિ વિસ્તાર જી.          ૧૫

આ મામેરું મહેતાજીનું ગાયે-સુણે નરનાર જી,
તેનાં કુટુંબ પરમ પદ પામે, કૃપા શ્રીજગદાધાર જી.          ૧૬

કહે કવિ: હું કાઈ નવ જાણું, કરનારા ગોવિંદ જી;
સંતજનની કૃપા થકી કહે કૃષ્ણસુત પ્રેમાનંદ જી.          ૧૭