મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મામેરું કડવું ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૪

પ્રેમાનંદ

રાગ ધન્યાશ્રી
ખોખલે પંડ્યે પત્ર જ આપ્યું મહેતાજીને હાથ જી;
વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથ જી:          ૧

‘મામેરું પુત્રીને કરવું છે, ઘરમાં નથી એક દામ જી;
ત્રિકમજી! ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’          ૨

ભોજન કરાવી દક્ષિણા આપી, મહેતો લાગ્યા પાય જી:
‘મોસાળું લેઈ અમો આવશું’, પંડ્યો કીધો વિદાય જી.          ૩

નરસિંહ મહેતે ઘેર તેડાવ્યા સઘળા વૈષ્ણવ સંત જી:
‘મોસાળું લેઈ આપને જાવું, કુંવરબાઈનું છે સીમંત જી.’          ૪

જૂની વહેલ ને ધૂંસરી વાંકી, સાંગી સોટાએ ભાંગી જી;
કોના તળાવા, કોની પીંજણી, બળદ આણ્યા બે માંગી જી.          ૫


મહેતોજી મામેરે ચાલ્યા, સમર્યા શ્રીજગદીશ જી;
ત્રણ સખી સંગાથે લીધી, વેરાગી દસવીસ જી.          ૬

દાબડી ત્રાંબાની સાથે લીધી, તે માંહે બાલમુકુંદ જી;
કઠે હાર કરીને બાંધ્યા દામોદર નંદાનંદજી.          ૭

વહેલની પૂંઠે કોથળો બાંધ્યો, માંહે ભર્યાં વાજિંત્ર જી;
ગાંઠડી એક ગોપીચંદનની, છે તુલસીકાષ્ઠ પવિત્ર જી.          ૮

મોસાળાની સામગ્રીમાં છે તિલક, તુલસી ને માળ જી;
નરસૈયો છે નિર્ભય મનમાં, ભોગવશે ગોપાળ જી.          ૯

બળ વિના બળદિયા શું હીંડે? ઠેલે વૈષ્ણવ સાથ જી;
શોર પાડે ને ઢાળ ચઢાવે: જય જય વૈકુંઠનાથ જી.          ૧૦-

એક બળદિયો ગળિયો થઈ બેસે, આખલો તાણી જાય જી;
પડ્યાને પૂંછ ગ્રહી ઉઠાડે, કૌતુક કૌટિક થાય જી.          ૧૧

સલે સાલ જૂજુઆં દીસે રથ તણાં જે વક્ર જી;
સાંગીના બહુ શબ્દ ઊઠે, ચીંચૂએ બહુ ચક્ર જી.          ૧૨

ચઢે, બેસે ને વળી ઊતરે, લે રામકૃષ્ણનું નામ જી;
મધ્યાહ્ને મહેતોજી પહોંત્યા, જોવા મળ્યું સરવ ગામ જી.          ૧૩

શું જાણે વૈષ્ણવનો મારગ વિષયી પુરના લોક જી?
કોડ પહોંત્યા કુંવરવહુના, મામેરું છે રોક જી.          ૧૪
વલણ
રોક મામેરું મહેતોજી લાવ્યા, જુઓ વૈષ્ણવની વિસાત રે;
એકેકી માળા આપશે, ત્યારે પહેરશે નાગરી નાત રે.’          ૧૫


તમો મન માને તે કહો, એવો પતિા મારો જીવતો રહો.’
મર્મવચન નણદીને કહી મહેતા પાસે પુત્રી ગઈ.          ૧૫

દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરી;
અન્યોઅન્ય નયણાં ભરી, ભેટ્યાં બેઉ આદર કરી.          ૧૬

મસ્તક ઉપર મૂક્યો હાથ, પાસે બેસાડીને પૂછી વાત:
‘કહો, કુંવરબાઈ! કુશલીક્ષેમ? સાસરિયાં રાખે છે પ્રેમ?          ૧૭

જો રૂડો દિવસ આવ્યો, દીકરી! તો મોસાળું કરશે શ્રીહરિ.’
કુંવરબાઈ બોલ્યાં વીનતી: ‘સામગ્રી કાંઈ પાસે નથી;          ૧૮

કેમ નાગરી નાતમાં રહેશે લાજ? ધન વિના આવ્યા શેં કાજ?
નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર.          ૧૯

નિર્ધનનું કહ્યું કો નવ કરે, નિર્ધનનું સહુ કૌતુક કરે;
નિર્ધનને સહુ ઘેલો ગણે, કો નવ રાખે ઊભો આંગણે.          ૨૦

લોકો બોલાવે દુર્બળ કહી, એથી માઠું કાંઈ બીજું નહીં;
પિતાજી! કાંઈ ન કરો ઉદ્યમ, તો આ અવસર સચવાશે ક્યમ?          ૨૧
નથી લાવ્યા તમે નાડાછડી, નથી મૉંડ ને કુંકુમની પડી,
નથી માટલી, ચોંળી, ઘાટ, –એમ દરિદ્ર આવ્યું શા માટ?          ૨૨

કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શે ન મૂઈ મરતાં માત?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર?          ૨૩

જે બાળકની માતા ગઈ મરી, બાપ-સગાઈ સાથે ઊતરી;
જેમ આથમતા રવિનું તેજ, મા વિના તેવું પિતાનું હેજ.          ૨૪

સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિના જેમ તરફડે મચ્છ,
ટોળા-વછોહી જેમ મૃગલી, મા વિના તેમ પુત્રી એકલી.          ૨૫

લવણ વિના જેમ ફીકું અન્ન, ભાવ વિના જેહેવું ભોજંન,
કીકી વિના જેહેવું લોચંન, મા વિના તાતનું તેવું મંન.          ૨૬

શું કરવા આવ્યા ઉપહાસ? સાથે વેરાગી લાવ્યો પચાસ;
શંખ, તાળ, માળા ને ચંગ: એ મોસાળું કરવાના ઢંગ?          ૨૭

ન હોય તો પિતાજી! જાઓ ફરી,’ એવું કહીને રોઈ દીકરી.
મહેતે મસ્તક મૂક્યો હાથ: ‘મોસાળું કરવાના વૈકુંઠનાથ.          ૨૮