મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૧૦


માસ ૧૦ - પોષ

ઉદયરત્ન

દુહો
પોસે પ્રેમ સવાયો રે, વાયો ઉત્તર વાય;
પુરુષ ન છંડિ પયોધર, નારી ન છંડિ નાહ.          ૧

ભોગી ભવન ન છંડિ રે, બિલ ન છંડિ ભુજંગ;
નદીયે નીર ઘટી ગયાં, વાધ્યા હિમાચલ-શૃંગ.          ૨

દિવસ થયા અતિ નાના રે, વાધી વેરણ રાત્ય;
નીગમતાં નીઠિ નહી કાલી એ કમજાતિ.          ૩

આંખ થઈ રે ઉતાવલી જોવા જાદવ ઈંદ્ર,
પાસાં ઘસતાં પલંગ-સું પલક ન પામું નિંદ્ર.          ૪

તન-મન મલિયાં રે દંપતી આણી હરખ અપાર;
સીત-પરાભવ દેખીને બિહું થયાં એકાકાર.          ૫

ભૂષણ ન ગમે રે ભામની, સેજડી સૂલી થાય;
કંચૂકની કસ કસતાં રે તાપ ઊડે તન માંહિ.          ૬

આંખે કાજલ નવિ ગમિ, હીઈ ન ગમિ હાર;
તંબોલ ફૂલ તલાઈ રે ન ગમિ મુંનિ નિરધાર.          ૭

સીતકાલિ જે સુંદરી નાહ વિના નિરધાર;
નાગરવેલિ તણી પરિ અફલ તસુ અવતાર.          ૮

વાલમની જોઉં વાટડી ઉંચી ચઢી આકાસ;
હજી સંદેશો ન મોકલ્યો, વહી ગયા દસ માસ.          ૯

ફાગ
સહિયરો! નેમને જઈ મનાવો, સ્વામી સમઝાવીને વેગિ લાવો;
જઈ યદુનાથને ઈમ ભાખો, નવ ભવની પ્રીઉ! પ્રીત રાખો.          ૧૦