મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૧૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માસ ૧૧ - મહા

ઉદયરત્ન

દુહા
માહ માસે મન મોહ્યું રે, મિલવા શિવાદેવીતન;
હાલ્યો હિમાલો હે સખી! બાલવા નીલાં વન.          ૧

સરોવર કમલ સોહામણાં હેમે બાલ્યાં જેહ;
વિરહણીના મુખની પરે ઝાંખાં થયાં રે તેહ.          ૨

અંબ થયા નવપલ્લવ, પસર્યા માંજર-પૂર;
કંતસંયોગિં ઉલ્લસે જિમ સોહાગણઉર.          ૩

નીર નિવાણે જામી રહ્યા, જામ્યા જલના કુંભ;
શીતસરોવરિ બૂડતાં આપિ કુણ અવલંબ?          ૪

નાથ નથી મોરે મંદિરે, પીડિ છે પંચબાણ;
અબલા ઉપરિ શૂરો એ પાપી લેસિ પ્રાણ.          ૫

મધ્ય નિસા સમિ માનની સુપનમાં દેખિં નાથ;
જાણ્યું જીવન ઘરિ આવ્યા, ઝાલ્યો છિ મુઝ હાથ.          ૬

મનસું મહા સુખ ઉપનું, વિલગી રહિ પીઉકંઠ;
સુરત-સંભોગ તણી સમે પડી પ્રેમની ગંઠ.          ૭

નયણ ઉઘાડીને નીરખતાં પાસ ન દીઠો નાથ;
‘હૈ હૈ દૈવ! કસ્યું કર્યું?’ મસ્તકિ દીધો હાથ.          ૮

ફાગ
સુપનસંજોગથી દુખ ધરતી, વલવલે મુખથી હાય કરતી;
ચાદ્રણી દેખીને દરદ થાઈ, નેમ વિના સહી પ્રાણ જાઈ.          ૯