મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મુક્તાનંદ પદ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૪

મુક્તાનંદ

વાલા રમતાં જમતાં કાન, મારે ઘેર આવો રે;
મારે કરવા પૂરા કોડ, હસીને બોલો રે.          ૧

મારે તમ સંગ લાગી પ્રીત, શ્યામ શુહાગીરે;
મેં તો તમ સંગ રમવા કાજ, લજ્જા ત્યાગિ રે.          ૨

વાલા અબળા ઉપર મેર, કરજો મુરારી રે;
હું તો જનમો જનમની નાથ, દાસી તમારી રે.          ૩

મારા પ્રાણતણા આધાર, પ્રીતમ પ્યારા રે;
પલ રહો મા નટવર નાવ, મુજથી ન્યારા રે.          ૪

આવો છોગાં મેલી શ્યામ, ધડક મ ધારો રે;
મેં તો ફુલડે સમારી શેજ, શ્યામ સુધારો રે.          ૫
વાલા નેણતણું ફલ નાથ, મુજને આપો રે;
મુક્તાનંદ કહે માહારાજ, દુખડાં કાપો રે.          ૬