મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મુક્તાનંદ પદ ૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૭

મુક્તાનંદ

નર નારાયણ ભજજોરે, કે સુદ્ધ થઈ નર નારી,
સાચા સંતની વાણીરે, કે લેજો ઉરમાં ધારી.

ખર શબ્દ સરીખીરે, કે દુરીજનની વાણી;
તેને ઉરમાં ન ધરજોરે, કે દુખદાયક જાણી.

કામી ક્રોધી ને લોભીરે, કે લંપટ જે ભગરાં;
તેને સત્ય ન ગણશોરે, કે તે તો જમદુત ખરાં.

કહી સત્ય શીખામણરે, કે તે તો નીંદા કેહ છે;
તે તો જમપુર કેરાંરે, કે દારૂણ દુખ સેહ છે.

સત્ય અસત્યને સમઝીરે, કે ભાવે હરી ભજન કરો;
મુક્તાનંદ કહે નારાયણેરે, કે નામે ભવસિંધુ તરો.