મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મૂળદાસ પદ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૪

મૂળદાસ

 ગિરિધર વહેલા આવજો
સરસ્વતી શારદાને વિનવું, ગુરુવા ગણપત લાગું પાય,
સાધુ સંતની રે સેવા કરું, મારી કાંઈ જીભલડીએ જશ થાય;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૧

કારતક મહિનાના રે કાહાનજી, વસિયા દેશ ને પરદેશ,
હું નારી નાનડી હરિ નાનડી, જોબન મારું બાલુડે વેશ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૨

માગશર મહિનાના રે માવજી, હજી શું નાવ્યા પ્રાણ-આધાર,
વનમાં મેલી ગયા મારો નાથજી, રમિયે કોની રે સંઘાથ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૩

પોષે કાંઈ સુકાણી મારી દેહડી, સોેસે કાંઈ સુકાણું રે શરીર,
પ્રેમ આતુરતા થઈ પ્રેમદા, વ્હાલા વિના ઘડી નવ રહેવાય;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૪

મહા કાંઈ મહિનાની રે સેજડી, બીજી કાંઈ વેરણ રાત,
રાતે કાંઈ નાવે હરિ વિના નિદરા, દિએ કાંઈ ન ભાવે રે અનાજ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૫

ફાગણ ફુલ્યો રે હરિ ફુલડે! વનમાં કેસુડાંનાં ઝાડ,
તેના કાંઈ નાખું હરિને છાંટડાં, ઉડાડું અબીલ ગુલાલ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૬

ચઈતરે ચંપો મોરીઓ, મોરી કાંઈ દાડમ ને બીજી દ્રાક્ષ,
કોયલડીરે ટહુકા કરે, ભમરા કરે છે ગુંજાર;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૭

વૈશાખે જોઉ રે વ્હાલાની વાટડી જોયા કાંઈ ચારૂ દેશ,
પગના પડછંદા રે વાગિયા, આવતા ઉરને પર લૈશ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૮

જેઠે કાંઈ જાણ્યું જીવન આવશે, હજી શું નાવ્યા પ્રાણ-આધાર,
ચંદન ગોરી રે સોહામણી, વીંઝણે ઢોળતાં વાય;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૯

અષાડ મહિનો ભલે આવિયો, માથે કાંઈ મંડેલા છે મેઘ,
તોએ નાવ્યો ગોપી કેરો નાવલો, હરિ કાંઈ બળભદ્રજીનો વીર;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૧૦

શ્રાવણ વરસે હ રિ સરવડે, નદીએ ખળક્યાં છે નીર,
સોણે સ્વપ્ને હરિ દીઠડા, ભીંજે મારાં નવરંગાં ર ચીર;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૧૧

ભાદરવો ભલી પેરે ગાજીયો, ગાજ્યા કાંઈ વરસ્યા છે મેઘ,
મોહન મથુરામાં મોહી રહ્યા, કુબજાએ દીધાં છે ઘણાં માન;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૧૨

આસુ માસે હરિ ઘેર આવિયા, પૂરી મારા મનડાની આશ,
બેઉ કર જોડી તુજને વિનવું, તારા કાંઈ મહિના ગાએ મૂળદાસ;
ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.          ૧૩