મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મૂળદાસ પદ 3


પદ 3

મૂળદાસ

વાલમ બોલ્યા રે વાણી
વાલમ બોલ્યા રે હો વાણી, અબળા કેમ આવ્યાં છો જાણી.          ૧
રાત અરધી રે હો રજની, સરવે કેમ આવ્યાં રે સજની.          ૨
ગૃહ કેમ મેલ્યાં રે હો ગોપી, લજ્જા સુરતી તણી કેમ લોપી.          ૩
પિયુ પોતાના રે હો ભજતાં, લાંચ્છન લાગે તેને તજતાં.          ૪
નરસું મનમાં રે હો ના’ણો, અબળા પિયુને ઈશ્વર જાણો.          ૫
ક્રોધી કપટી રે હો કામી, સુંદરિયો તોય પોતાનો સ્વામી.          ૬
વિધિવત બોલ્યા રે હો વાણી, જીવન એ શું બોલ્યા જાણી.          ૭
ગદ ગદ કંઠે રે હો ગોપી, અબળા તનમન રહ્યો છો આરોપી.          ૮
એશું કહ્યું રે હો અમને, પિયુ કેમ પરનર કંઈયે તમને.          ૯
સાક્ષી વિશ્વના રે હો સ્વામી, જીવન સહુના અંતરજામી.          ૧૦
મન્મથ બોલ્યા રે હો મરમે, ધીરજ માટે ભાંખો ઘરમે.          ૧૧
રસમાં ન હોય રે રેણી, મહાસુખ માણો મરગાનેણી.          ૧૨
તારૂણી લેતાં રે હો તાળી, મુળદાસ પ્રેમે પરવટ વાળી.          ૧૩