મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૨૧


કડવું ૨૧

પ્રેમાનંદ

છંદ ભુજંગની ચાલ
ઊઠ્યા લક્ષ્મણવીર, કપિ સર્વ સાથી,
જીવતદાન આપ્યું હનુમંત હાથી,
રઘુનાથ કોપ્યામ ધર્યું ચાપ મૂઠે;
લંકાનાથ નાઠો, થયાં બાણ પૂંઠે.          ૧

દશસ્કંધ સાહામું નહીં મુખ માંડે,
શ્રીરામનાં બાણ ક્યમ પૂંઠ છાંડે?
લે પતિતની પૂંઠ જમદૂત જેવા,
લંકાનાથ પૂંઠે છૂટે બાણ તેવાં.          ૨

સભાસ્થાનકે આવિયો વેગમાંહ્ય,
ફરે નાસ્તો ત્રાસતો લંકરાય,
ગુફા ભોંયરાં કોટડી માળ મેડી,
ચઢે-ઊતરે, નાસતો ચર્ણ ખેડી.          ૩

ભર્યો શ્વાસ, ને મુખ નિ:શ્વાસ નાખે
‘મુને રામનાં બાણથી કોણ રાખે?’
વહુ સુંદરી દીકરી સર્વ દાસી
ભીડે બારણાં, સર્વ કો જાય નાસી.          ૪

નિજ પુત્ર ભત્રિજ પરધાન સ્નેહી
દેખી રાયને જાય મુખટાળો દેઈ.
જોયાં સપ્ત પાતાળ ને સપ્ત દ્વીપ,
જ્યહાં જાય ત્યાં બાણ દેખે સમીપ.          ૫

થયો રાય ભયભીત ત્રિલોક ફરતાં,
ધાયે બાણ પૂંઠે ઘુઘવાટ કરતાં.
આવ્યો મામ મૂકી જ્યહાં જ્યેષ્ઠ નારી:
‘મુને રાખ, મંદોદરી!’ ક્હે અહંકારી.          ૬

તવ માન દીધું, નમી પાય રાણી,
રહ્યાં બારણે બાણ મરજાદ આણી.
કરી સ્તવન-પૂજંન પરણામ કરિયા,
સતીનારનાં વેણથી બાણ ફરિયાં.          ૭

નિજ નાથ પ્રત્યે કહે હસ્ત જોડી:
‘કરું વિનતી, નાથ! મુજ બુધ થોડી;
લાગે બોલ કડવા પ્રથમ, તેહ મીઠા:
આજ જાનકીનાથના હાથ દીઠા?           ૮