મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૧


પદ ૧

રવિસાહેબ

એવી ઝણણણ ઝાલરી વાગી રે...
એવી ઝણણણ ઝાલરી વાગી રે, મેં તો જોયું તખ્ત જાગી રે;
મને સંત મળ્યા સોહાગી રે, એની મધુરી શી મોરલી વાગી રે!

મુખકમળથી ઊપડીને, ક્દયકમળમાં બોલે;
નાભીકમળથી મારી સૂરતા ચાલી, ઊભી ત્રિવેણીમાં ડોલે રે.

સતનામ-ઘોડો શણગારીઓ, અલખની કરી લગામ;
ચાંદો-સૂરજ બેય પાવડે, એનો ચડનારો ચતુર સુજાણ રે.
ગગનમંડળમાં ગોખલો, નર સૂતો નિરધાર;
ત્રણ પુરુષ એની સેવા કરે, રામ કબીર રણુંકાર રે.

સદ્ગુરુએ અમને ઉરમાં લીધાં, માર્યાં મોહનીમાં બાણ;
વિચાર કરો તો વૈદ ન જાણે, ભીતર પ્રગટ થયા ગુરુ ભાણ.

સોહં સોહં તારા ઘટમાં વસે, સુરતા કરે એની સેવ;
ભાણપ્રતાપે રવિદાસ કહે, મને મળિયા નિરંજન દેવ રે.