મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૧૦


પદ ૧૦

રવિસાહેબ

જ્ઞાન-બાજી
ચાલો સખી! પિયાજીની પાસ રે
ગન્યાનબાજી ખેલીએ;
પ્રેમમાં થઈ ચકચૂર રે
રંગરસ રેલીએં.
એ જી, પ્રીતિના પાસ લૈને હાથ રે
પ્રિયા સનમુખ નાખીએં;
સંતની સોગઠીઉં ચલાય
પ્રેમરસ ચાખીએ.          – ચાલો સખી૦

એ જી. રંગભર્યા રમીએં સારી રાત રે
નીંદરાને ત્યાં વારીએં;
કરીએં ન કૂડ કપટ રે
દૂર કરીને ડારીએ.          – ચાલો સખી૦

એ જી, તન મન ધન ને પ્રાણ રે
પિયાજીને આપે આલીએં;
અખંડ સુખ ને આનંદ રે
પિયા સંગે માલીએં.          – ચાલો સખી૦

એ જી, હારીએં તો રૈએં પિયાજીની પાસ,
જીતીએં તો જુગદીશને
રાખીએં પ્રાણની સાથ રે
પરહરી રીસને.          – ચાલો સખી૦

એ જી, લીજીએં તો અપાર આનંદ રે
ચોરાશીને વારીએં
ભરથ મોડ ચરણે રવિદાસ રે
એવા ધણીને ધારીએ.          – ચાલો સખી૦