મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૪

રવિસાહેબ

બાણ તો લાગ્યાં જેને...
બાણ તો લાગ્યાં જેને
પ્રાણ રે વિંધાણા એનાં
નેણામાં ઘૂરે રે નિશાણ;
જીવો જેને લાગ્યાં ભજનુંનાં બાણ,
જીવો જેને લાગ્યાં શબદુંનાં બાણ.
પરતિવંતા જેના પિયુ પરદેશમાં
એને કેમ રે જંપે વ્રેહની ઝાળ;
નાથ રે વિનાની એને નિંદરા તો આવે ત્યારે
સેજલડી સુનકાર –          જીવો જેને
હંસ રે સાયરિયાને ઘણેરો રે
મીનથી વછોયા રે રે મેરાણ;
થોડા થોડા જળમાં એના પ્રાણ તો ઠેરાણા તે
પ્રીતું કરવાનાં પરમાણ –          જીવો જેને
દીપક દેખીને અંગડાં મરોડે ઈ તો
પતંગિયાનાં પરમાણ;
કે’ રવિસાબ સંતો ભાણને પરતાપે
સપના જેવો છે સંસાર –          જીવો જેને