મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૬

રવિસાહેબ

પ્રગટ છે રે અમારી પ્રીતડી
ગોપીજન બોલ્યાં સર્વ મળીને સંગાથ, પ્રગટ છે રે અમારે પ્રીતડી રે
ગોવીંદજીને વળગી સહુ વ્રજનાર, કોઈક જાણે રસ રીતડી રે          ||૧||

અમોને તેડી ગયા સુણ ઓધવ તત ખેવ, પરશોતમ પોતાનું જ્યાં ધામ છે રે
પંચતત્વ જીહાં નહી સુરજ ચંદ્ર, ઓળકી અમે વરીઆ આરામસે રે          ||૨||

ઓધવ ઊધારો જોગ સુપન સમાન, જાગ્યા પછે તે સર્વે ફોક છે રે
અમે તે વરીયાં સાક્ષી સુંદર શામ, રસનું રૂપ સરૂપ એ છેક છે રે          ||૩||

અમે વ્રજનારી ન સમજું સાધન, વ્રાધજ હોય તેહને દીજીએ રે
અમે અરોગી સદા સંજોગી અંગે, પ્રેમ રસ પાઈ અને પીજીએ રે          ||૪||

સકટાસુર બગ અધ માર્યા અનેક, જ્મલાર્જુન શ્રાપ ટાલીઆ રે
ગોવર્ધન કર ધરી રાખ્યા વ્રજબાલ, રંગભર રાસ તે અમોને રમાડીયા રે          ||૫||

શુક સનકાદીક નારદ શેષ મહેશ, નીરંતર ધ્યાન હરીનું ધરે રે
મુનીજન કેરે સપને નાવે શામ, તે અમોમાં મરકલાં કરે રે          ||૬||

જેને એક રોમ પર અનંત અનંત બ્રહ્માંડ, સાધન સાધે સીધ મુની વીશેક રે
રવીદાસ ઓધવ પ્રીત કહે બ્રજનાર, શ્રીકૃષ્ણ સદા સદોદીત શીવ છે રે          ||૭||