મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /લીરલબાઈ પદ ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૩

એવા અધુરિયાંસે નો હોય દિલડાંની વાતું,
અધૂરિયા સે નો હોય દલડાંની વાતું, મારી બાયું રે...
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે...
એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે,
ઈ શું જાણે સમંદરિયાની લ્હેરૂં, મારી બાયું રે...
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે...

કૂવાની છાંયા રે કૂવામાં જ વિસમે રે,
વળતી-ઢળતી કોઈને ન આવે એની છાંય, મારી બાયું રે...
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે...

દૂધ ને સાબુએ રે ધોયા ઓલ્યા કોયલા રે,
ઈ કોયલા કોઈ દી’ઉજળા નો થાય, મારી બાયું રે...
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે...

એવાં દૂધડાં પાઈને રે વસિયર સેવયો રે,
મૂકે નહીં ઈ મુખડાં કેરાં ઝેર, મારી બાયું રે...
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે...

દુરજનિયાની રે આડા મોટા ડુંગરા રે,
એ જી મારા હરિજનિયાની હાલું મોઢામોઢ, મારી બાયું રે...
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે...

ગુરુના પ્રતાપે રે લીરલબાઈ બોલિયાં રે,
એ જી મારા સાધુડાંનો બેડલો સવાયો, મારી બાયું રે...
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે...