મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /લોયણ પદ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧

બ્રહ્મમાં ભળવું હોય તો...
જી રે લાખા! બ્રહ્મમાં ભળવું હોય તો હેત વધારો જી હો જી;
અને મનના પ્રપંચને મેલો રે હાં!

જી રે લાખા! નૂરત-સૂરતથી ફરી લ્યો ને મેળા જી હો જી;
અને ફળની ઇચ્છાને ત્યાગો રે હાં!

જી રે લાખા! તરણા બરોબર આ જગતની માયા છે હો જી;
એને જાણજો મનથી જૂઠી રે હાં!

જી રે લાખા! કાળને ઝપાટે એ તો ઝડપાઈ જાશે જી હો જી;
ત્યારે જીવડો તે જાશે ઊડી રે હાં!

જી રે લાખા! જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે જી હો જી;
ત્યારે તો મનની ભ્રાંત ભાંગી પડશે રે હાં!

જી રે લાખા! સંકલ્પ-વિકલ્પની ગાંઠું બંધાણી જી હો જી!
એ તો ગુરુવચનથી ગળશે રે હાં!

જી રે લાખા! હાર ન પામો, તમે હિંમત રાખો જી હો જી;
અને ગુરુવચન રસ ચાખો રે હાં!

જી રે લાખા! શેલર્ષિની ચેલી સતી લોયણ બોલ્યાં જી હો જી;
તમે વચન સમજીને સુખ માણો રે હાં!