મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વીરવિજય પદ ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૨

વીરવિજય

પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
ઢાળ બીજી
(મિત્યાત્વ વામીને કોરયા સમકિત પામી રે -એ દોશી)
રૂડો માસ વસંત ફળી વનજરાજી રે, રાયણ ને સહકાર વાલા;
કેતકી જાઈ ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા,
કોયલ મદભર ટહુંકતી રે, બેઠી આંબા ડાળ વાલા.          ૧
હંસયુગલ જળ ઝીલતા રે, વિમળ સરોવર પાળ વાલા;
મંદ પવનની લ્હેરમાં રે, માતા સુપન નિહાળ વાલા.          ૨
દીઠો પ્રથમ ગજ ઉજળો રે, બીજે વૃષભ ગુણવંત વાલા;
ત્રીજે સિંહ જ કેસરી રે, ચોથે શ્રીદેવી મહંત વાલા.          ૩
માળયુગલ કૂલ પાંચમે રે, છઠ્ઠે રોહિણિકંત વાલા;
ઊગતો સૂરજ સાતમે રે, આઠમે ધ્વજ લહકંત વાલા.          ૪
નવમે કળશ રૂપાતણો રે, દશમે પદ્મસર જાણ વાલા;
અગ્યારમે રયણાયરુ રે, બારમે દેવવિમાન વાલા.          ૫
ગંજ રત્નનો તેમરે રે, ચૌદમે વહ્નિ વખાણ વાલા;
ઊતરતાં આકશથી રે, પેસતાં વદન પ્રમાણ વાલા.          ૬
માતા સુપન લહી જાગિયા રે, અવધિ જુએ સુરરાજ વાલા;
શક્રસ્તવ કરી વંદિયા રે, જનની ઉદર જિનરાજ વાલા.          ૭
એણે સમે ઈંદ્ર તે આવિયા રે, આ આગળ ધરી લાજ વાલા;
પુણ્યવંતી તુમે પામિયા રે, ત્રણ ભુવનનું રાજ વાલા;          ૮
ચૌદ સુપનના અર્થ કહી રે, ઇંદ્ર ગયા નિજ ઠામ વાલા;
ચૌસઠ ઈંદ્ર મળી ગયા રે, નંદીશ્વર જિનધામ વાલા.          ૯
ચ્યવન કલ્યાણક ઉત્સવરે રે, શ્રી ફલપૂજા ઠામ વાલા;
શ્રી શુભવીર તેણે સમે રે, જગતજીવ વિશ્રામ વાલા.          ૧૦