મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /સુદામાચરિત્ર કડવું ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧

પ્રેમાનંદ

રાગ કેદારો
શ્રી ગુરુદેવ શ્રીગણપતિ, સમરું અંબા સરસ્વતી,
પ્રબળ મતિ વિમળ વાણી પામીએ રે.          ૧

રમા-રમણ ક્દેમાં રાખું, ભગવંત-લીલા ભાખું,
ભક્તિરસ ચાખું, જે ચાખ્યો શુકસ્વામીએ રે.          ૨

ઢાળ
શુકસ્વામી કહે: સાંભળ, રાજા પરીક્ષિત! પુણ્યપવિત્ર,
દશમસ્કંધ અધ્યાય એંશીમેં કહું સુદામાચરિત્ર.          ૩

સાંદીપનિઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત,
તેહેને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત.          ૪

તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે;
પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ સુદામા પાસે આવે.          ૫

સુદામો, શામળ, સંકર્ષણ અન્ન ભિક્ષા કરી લાવે;
એકઠા બેસી અશન કરે તે ભૂધરને મન ભાવે          ૬

સાથે સ્વર બાંધીને, ભણતા, થાય વેદની ધૂન્ય;
એક સાથરે શયન જ કરતા હરિ, હળધર ને મુન્ય.          ૭
ચોસઠ દહાડે ચૌદ વિદ્યા શીખ્યા બંન્યો ભાઈ;
ગુરુસુત ગુરુ-દક્ષિણામાં આપી વિઠ્ઠલ થયા વિદાય.          ૮

કૃષ્ણ-સુદામો ભેટી રોયા, બોલ્યા વિશ્વાધાર;
‘મહાનુભાવ! ફરીને મળજો, માગું છું એક વાર.’          ૯