મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /હૂંડી કડવું ૩


કડવું ૩

પ્રેમાનંદ

રાગ મેવાડો

તીરથવાસી દુખિયા જાણી, મહેતોજી બોલ્યા અમૃતવાણી:
‘કાં મન ચિંતા કરો છો ઊંડી? લાવો લખી આપું હું હૂંડી.          ૧

અમારે-તમારે કારજ પડ્યું, પરમેશ્વર નહિ રાખે અડ્યું;
સિદ્ધ કામ થાશે તમ તણું, મોકલનાર ડાહ્યો છે ઘણું.          ૨
સેવક તમારો હૂંડી કરે, જ્યહાં લખે ત્યાંહાંથી નવ પાછી ફરે;
માહારા શેઠને ઓળખે આખું ગામ, ન હોય તો લેજો માહારું નામ.’          ૩

તીરથવાસી બોલ્યા રલી રસે: ‘આ રૂપૈયા લીજે સાત્ત સેં;
લખી પત્ર ઉતાવળું દીજે, હૂંડિયામણ ઘટે તે લીજે.’           ૪

મહેતોજી કહે: ‘કરવું કામ, હૂંડિયામણ તો હરિનું નામ.’
શતશતના ગણી આપ્યા થોક, સાતસેં રૂપૈયા રોક.          ૫

મહેતે ઘરમાં મૂકી બોરી, તે ખર્ચી રહ્યા સંધી-સોરી.
પછે મહેતે કરમાં લીધી તાળ, સ્તુતિ કરી સમર્યા ગોપાળ.          ૬

નરસૈયો હરિની સ્તુતિ કરે, ખરખર નયણે આંસુ ખરે.
તાળ વાહે ને હરિગુણ ગાય: ‘શામળિયાજી! કરજો સહાય.          ૭

પ્રહ્લાદની વહારે તમો ધસ્યા, લક્ષ્મીવર! તમો સ્તંભમાં વસ્યા;
અપર માતાનો ઉતાર્યો મદ, ધ્રુવને આપ્યું અવિચળ પદ.          ૮