મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૧૦ દોહરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦ દોહરા

એક અખંડિત બ્રહ્મનું, મનમાં રાખો ધ્યાન;
જેથી ચૌદ લોકમાં, સઘળે પામો માન.          ૧

કૃષ્ણજી એણિપેરે ઓચરે, વ્યાસ વસિષ્ઠ શુકદેવ;
નારદાદિક મુનીવરની, સહુને એકજ ટેવ.          ૨

વેદવિદ્યા જે લાવીયા, તે પણ એને ગાય;
જે પ્રભુ વ્યાપક વિશ્વમાં, નવ આવે નવ જાય.          ૩
જે પ્રભુને ભજવા થકી, નીચ ઉંચ કહેવાય;
ઊંચ ભુલે અભિમાનમાં, નીચથી નીચા થાય.          ૪

જે પ્રભુ પાળે વિશ્વને, સાક્ષી પ્રકાશકરૂપ;
મન ઇંદ્રીમાં રાજતો, સંગ વિના છે અનૂપ.          ૫

પ્રેરે પાળે સર્વને, યોગ્ય કરાવે કામ;
અળગો રહી વળગે નહીં, પૂર્ણ પ્રકાશક ધામ.          ૬

તનને મનને તાજગી, જે રાખે દિન રેણ;
રૂપ દેખાડે નેણને, વાંણીને આપે વેણ.          ૭
રવિ પ્રેરક થઈ નેણને, સાહે કરે છે જેહ;

દિગપતિ પ્રેરી કાનને, વેણ સુણાવે તેહ.          ૮

વરુણનો પ્રેરક જે થઈ, રસનાને દે સ્વાદ;
ભૂપ્રેરક થઈ ધ્રાણને, આપે ગંધ પ્રસાદ.          ૯

ટાહાડું હુનું દાખવે, ત્વગને પ્રેરી વાત;
કર્મેદ્રીના દેવને, પ્રેરક તે વિખ્યાત.          ૧૦