મનીષા જોષીની કવિતા/ખૂંધવાળી છોકરી
આમ તો રૂપાળી છે, પણ ખૂંધવાળી છે એ છોકરી.
એનાં મા-બાપ લાખ વાનાં કરીને ઘરે બોલાવે છે મુરતિયાઓને
પણ જેવી એ છોકરી આવે છે, મહેમાનો સામે
કમરેથી સાવ ઝૂકેલી, હાથમાં ચાની ટ્રે લઈને
કે મુરતિયાઓ જતા રહે છે ઊભા પગે.
મા-બાપ પણ હવે તો ટેવાઈ ગયાં છે
તે રાત્રે સૂઈ જાય છે ઘસઘસાટ, ઝાઝી ચિંતા વગર.
જોકે કોઈને ક્યાં ખબર છે કે એ છોકરી, રોજ મધરાતે
જઈને ઊભી રહે છે, ઘરની અગાશીએ
સીધી, ટટ્ટાર, સુરેખ.
એને જોવા આવે છે કંઈ કેટલાયે રાજાઓ
રાજકુમારો ને કુશળ ઘોડેસવારો.
સ્વયંવર રચાય છે એના, આ અગાશીએ રોજ રાત્રે
અને પછી હારેલા રાજકુમારો યુદ્ધે ચડે છે એના માટે.
ક્યારેક તો અપહરણ પણ થઈ જાય છે એનું આ અગાશીએથી
સવારે એ જાગે ત્યારે, ફરી ઊગી આવી હોય છે એની ખૂંધ
પણ મને લાગે છે કે, એને હવે ગમી ગઈ છે એની આ ખૂંધ
આ ખૂંધ જ છે, જે બચાવી લે છે એને, આ દિવસથી
અને જિવાડે છે એને, રોજ રાત્રે ઊગતી એ ભવ્ય રાત માટે
ફૂલોની વેલીઓથી સુગંધિત, શીતલ
તારાઓ મઢી અગાશીએ ઊતરી આવતી રાતે
ચાંદનીથી સુશોભિત, એ સ્વરૂપવાન, સુરેખા
ખડખડાટ હસી પડીને મશ્કરી કરે છે
વયસ્ક રાજાઓની, નિશાન ચૂકી જતા રાજકુમારોની
ને ઘોડા પરથી નીચે ઊથલી પડતા ઘોડેસવારોની.
અપમાનિત મુરતિયાઓને એ પાછા વાળી દે છે, અગાશીએથી
અને એ પોતે, અભિમાની, અભિયુક્ત, સારિકા
ફૂલોની વેલીઓને લપેટાઈને આનંદ કરતી રહે છે રાતભર.