મનીષા જોષીની કવિતા/વૃક્ષ, અવાસ્તવિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વૃક્ષ, અવાસ્તવિક

હું કહું છું. આ વૃક્ષ તે જ બોધિવૃક્ષ,
તે જ કદંબ, ને તે જ અશોક.
આ જો તમે ન માનો તો પછી
બુદ્ધ, કૃષ્ણ અને સીતાને શોધશો ક્યાં?
વાસ્તવિકતા વિનાના એક વૃક્ષની
આપણને સહુને જરૂર છે.
મૂળિયાં વિનાના વૃક્ષના અર્કથી
જીવતા રહેવાય તેટલું જ જીવન.
એ વૃક્ષનું વર્ણન લખવાની હું શરૂઆત કરું છું
ત્યાં જ,
તેની શાખા-પ્રશાખા વીંટળાઈ વળે છે મારા હાથે.
શબ્દ અને શબ્દ, અને શબ્દ વચ્ચે રહેલું અંતર
હું પૂરી નથી શકતી
હું હવે રઘવાઈ થઈ છું.
આંખોની સામે જે કંઈ દેખાય
એ બધું જ લખવા માટે.
એક પુરાકલ્પિત વૃક્ષ વિસ્તરી રહ્યું છે.
મારી બારીમાંથી ઘરની અંદર આવી રહ્યું છે.
એ વૃક્ષમાં મારો નિવાસ છે
અને એ વૃક્ષ જીવે છે
શબ્દો વચ્ચેના અવકાશમાં.
એ વૃક્ષનાં મૂળ શોધવા,
એક રાજકુમાર વૃક્ષ પર ચડતો રહે છે,
ચડતો રહે છે,
નીચે એક રાક્ષસ
કુહાડીનો ઘા કરે છે, એ વૃક્ષ પર.
મૃત રાજકુમારોના દેહ, હું ગણું છું.
આકાશને આંબતા એ વૃક્ષ પર હું વસું છું
ને એ વૃક્ષ જીવે છે,
મારી જિજીવિષામાં.
એ વૃક્ષનાં લાકડાં ક્યારેય સળગતાં નથી
ને તેના પર કાંઈ ફળ-ફૂલ ઊગતાં નથી,
છતાં મને પોષે છે એ વૃક્ષ.
કલ્પનોની છાંયમાં એ મને સૂવડાવે છે
ને શાખા-પ્રશાખાની સીમામાં
એ મને જીવાડે છે.
હું હવે મુક્ત છું
કંઈ જ ન લખવા માટે.