મનીષા જોષીની કવિતા/વ્હેલનું શરીર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વ્હેલનું શરીર

સિનેમાના પડદા પર

સમુદ્રમાં આવેલા તોફાનનું દૃશ્ય હતું.
હું એકીશ્વાસે જોઈ રહી હતી,
ત્યાં અચાનક, મોટી વ્હેલ માછલીએ
મોઢું ખોલ્યું અને મને ખેંચી લીધી.
હું મારા રૂમમાં હોત તેના કરતાં
વધુ સુરક્ષિત છું, એના શરીરમાં.
એના શરીરમાં મારા શરીરની કોઈ વૃદ્ધિ નથી,
એ મને સૌથી વિશેષ ગમે છે.
જોકે, આ વ્હેલ હવે વૃદ્ધ થવા આવી છે.
સમુદ્ર તટે આવતાં સહેલાણીઓને રીઝવવા
અગાઉની જેમ એ પાણીમાંથી બહાર આવી
ઊંચે ઊંચે ઉછાળા નથી મારતી.
વ્હેલ મરી જશે ત્યારે મારે
ફરીથી મારા રૂમમાં આવી જવું પડશે.

મને ખરેખર ડર લાગે છે,
હવા-ઉજાસનો.
મારા રૂમમાં મને નથી જોઈતો સૂર્યપ્રકાશ.
જીવનથી ભાગીને
હું ક્યાં જઈને રહું?