મનીષા જોષીની કવિતા/શીતળા સાતમ
આખું વરસ, આખો દિવસ ધમધમતા રહેતા
અમારા સામૂહિક પરિવારના આ રસોડામાં
આજે સવારથી
સાવ શાંતિ છવાયેલી છે.
શીતળા સાતમ છે ને એટલે.
આજે સૌ ઠંડું ખાશે તેથી ગઈ કાલે બનાવી રાખેલું ખાવાનું
મલમલના સફેદ કપડા નીચે ઢાંકેલું પડ્યું છે.
રસોડું એવું તો શાંત છે કે જાણે
એ સફેદ કપડા નીચે
ખાવાનું નહીં
પણ ખુદ શીતળા માતા સૂતેલાં હોય.
ઘરના સૌ લોકો સાતમના મેળામાં ગયા છે
અને હું, નથી જીરવી શકતી અહીં આ સ્મશાનવત શાંતિ.
બાકસના ખોખા પર દોરેલા એક શાંત કમળનો ફોટો તો જાણે
મને વધુ અશાંત કરી નાખે છે,
આખરે રસોડામાં જઈને
મેં સળગાવી એક દીવાસળી
ને પછી બીજી
ને એમ કરી નાખ્યું બાકસ આખું ખાલી.
શીતળા માતા સફાળાં જાગી ગયાં અને ગુસ્સામાં બૂમાબૂમ શરૂ કરી
પણ હું તો મગ્ન રહી આ સળગતા ચૂલાને જોવામાં.
લાલ, પીળી, કેસરી ઝાંયવાળી આ અગ્નિની શિખાઓ
કેવી સુંદર, કેવી તો ભવ્ય છે.
ઘરના લોકો સાંજે મેળામાંથી પાછા આવે છે
અને કંઈક બળવાની વાસ આવે છે એવું ગણગણે છે
ને પછી ગોઠવાય છે સૌ જમવા માટે.
સફેદ કપડા નીચે ઢાંકેલું
ઠંડુંગાર ખાવાનું ખાતા ખાતા સૌ હસે છે –
‘આ ટાઢશીરાથી તો કંટાળ્યા.
હવે કાલે તો કંઈક ગરમ ખાવાનું મળે તો મજા આવે.
હા, મોં દઝાડી જાય એવું.
હા, કાલે તો ચૂલા પરથી સીધી જ મોંમાં નાખવો છે
ગરમ ગરમ ઊકળતી દાળ.’
મને હસવું આવી જાય છે
મેં તાજા જ આચરેલા એક પાપ પર.