મનીષા જોષીની કવિતા/સાધના ટોકીઝના ખાંચામાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાધના ટોકીઝના ખાંચામાં

અમેરિકા પાછા ફરીને બૅગ ખાલી કરતાં
વડોદરામાં કંઈક ખરીદી કરી હશે તેની એક થેલી હાથમાં આવી
એ થેલી પર દુકાનનું સ૨નામું લખેલું હતું –
‘સાધના ટોકીઝના ખાંચામાં.’
બસ આ એક વાક્ય, અને મને ગમી ગઈ, નવેસરથી
ગુજરાતમાં બોલાતી
ગુજરાતી ભાષા
પછી તો આખો દિવસ હું વિચારતી રહી
બીજું શું, શું થતું હશે સાધના ટોકીઝના ખાંચામાં?
જરૂર કોઈ તરુણી
પોળના ઓળખીતા-પાળખીતાઓની નજર બચાવતી
ઊભી હશે ત્યાં, ફિલ્મ જોવા, એના પ્રેમીની રાહ જોતી.
તેનાથી થોડેક દૂર, કોઈ બીજો છોકરો
ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચી રહ્યો હશે
હિન્દીની છાંટવાળી ગુજરાતીમાં બોલતો.
તેની નજીકમાં, કોઈ રિક્ષાવાળો, બેઠો હશે
પોતાની રિક્ષામાં, મીટર ડાઉન કરીને.
પછી કોઈ મધ્યમવર્ગીય સદ્‌ગૃહસ્થ આવશે
હાથમાં શ્રીખંડની થેલી લઈને
‘ચાલ, રાવપુરા આગળ લઈ લે. કેટલા થશે?’
પછી તેમની વચ્ચે થોડી રકઝક થશે
ડભોઈ અને અમદાવાદની ગુજરાતીમાં
અને એમ શરૂ થઈ જશે એક સવારી.
એ રિક્ષાના ગયા પછી, તેની પાછળની કોઈ બીજી રિક્ષા
આગળ આવીને ગોઠવાઈ જશે ત્યાં.
એ રિક્ષાવાળો, રાહ જોતાં જોતાં વાંચી રહ્યો હશે
કોઈ ગુજરાતી છાપું –
‘અકોટામાં પકડાયું કોલગર્લ રેકેટ,
એનઆરઆઈ ગ્રાહકો માટે સાડીઓની સ્પેશ્યલ ઑફર,
કડક બજારમાં લાગેલી આગમાં પાંચ દુકાનો ભસ્મીભૂત,
ફતેહગંજમાં ધોળા દિવસે લાખોની લૂંટ, વડોદરામાં લટટરી ફૅસ્ટિવલ,
અલકાપુરીમાં વિદેશી દારૂ જપ્ત, પાયલ ફરસાણની દુકાનનું નવું સરનામું, ઉત્તરાયણના ચાઈનીઝ દોરાથી ઘવાયેલાં પક્ષીઓ, સીંગતેલના ભાવમાં તેજી,
માંજલપુર સ્થિત યુવાન માટે જોઈએ છે નોકરી કરતી કન્યા,
ડૉક્ટર વિદેશ પ્રવાસે ગયા છે, કમાટીબાગની ટોય ટ્રેન ફરી ચાલુ થઈ.’

રિક્ષાવાળો થોડી વારે છાપું ગડી કરીને, સીટ નીચે દબાવીને મૂકશે
જોઈ રહેશે, તેની બાજુમાં હાટડી માંડીને બેઠેલા એક વૃદ્ધ મોચીને.
એ વયસ્ક મોચી, વર્ષો પહેલા આવેલા હશે વડોદરા, કપડવંજથી
અને પછી રહી ગયા હશે, ખંડેરાવ માર્કેટની કોઈ ગલીમાં.
એ કાકાથી થોડે દૂર, કોઈ બાઈ
બિહારના કોઈ ગરીબ ગામમાંથી આવેલી
અને હવે ભાંગી-તૂટી ગુજરાતી બોલતી
શેરીનો કચરો વાળી રહી હશે.
ખૂણે-ખૂણે કચરાની ઢગલીઓ ભેગી કરીને
તે જરા વા૨ પોરો ખાવા બેઠી હશે
સાધના ટોકીઝના ખાંચામાં
અંદર, થિયેટરમાં ફિલ્મ શરૂ થાય ને અંધારું થશે એટલે
પેલો છોકરો, પેલી તરુણીને કીસ કરશે
અને બોલશે, મુસલમાન ગુજરાતીમાં –
‘મેં તને બહુ પ્રેમ કરું છું.’
બહાર ટોકીઝની ગલીમાં
ફરી એક વાર શરૂ થઈ હશે ચહલપહલ
કોઈ દીક્ષામહોત્સવના વરઘોડાની.
આવતીકાલથી બધું જ ત્યજી દેનારી
કોઈ જૈન કિશોરી, આજે સોળ-શણગાર સજીને
તૈયાર થઈ હશે અને જોઈ રહી હશે
લોકોએ ઊંચકેલી તેની ગાદીમાં બેઠા બેઠા
અહીંથી પસાર થતાં
સિનેમાઘરની બહાર લટકતા પોસ્ટરને.