મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઇચ્છાગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઇચ્છાગીત

માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
ઉપરથી આટલું મેં ઇચ્છ્યું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું
ખડકી છે ખડકી : દુકાન છે એ ઓછી કે
જોખીજોખીને કરું વાત?
આવેતુ જણ પૂછે જોઈ ભળભાંખળું
કે ક્યારે આ વીતી ગૈ રાત?
હળુહળુ કાઢું એની અંદરની ગૂંચ છતાં લગરીકે ભાઈ, ના હું થાકું
આથમણાં અંધારાં ઊતરે તો ઊતરે
આ દીવાઓ દેશે અજવાસ
આસનમાં આનાથી રૂડું શું હોય?
મળે ફળિયાનું લીલુંછમ ઘાસ
ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો, ઢાંકું?
ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ
એમ સાચવું હું પંખીનાં ગીત
નીડમાં એ લાવે છે ભરચક આકાશ
મને શીખવે છે જીવવાની રીત
હેમખેમ સાંજની બોલાશ એવી મળજો કે હોકલીમાં મ્હેકે ગડાકુ
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું