મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઑય મા મુંને –
Jump to navigation
Jump to search
ઑય મા મુંને –
ઑય મા, મુંને પગમાં કાંટો લવકે છે કંઈ
ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ...
નેળ્યને કેડે આમ તો સખિ
હોય શું કહે : હોય ગાડેતી જણ, બીજું શું ધૂળ?
ધ્યાન બા’રી લગરીક થઈ ત્યાં
‘ઝમ’ શારાની ગઈ ભોંકાઈ પગમાં બાવળશૂળ
ઑય મા, મુઝાઈ મરતી એવું સાંસમાં લીલું ચટકે છે કંઈ...
ઑય મા, મુંને પગમાં કાંટા લવકે છે કંઈ....
કોઈ દિ’ રાતું ફાળિયું ભાળી અમથું અમથું
બોલવું નહીં ચાલવું નહીં કાઈ દિ’ સામે મળવું નહીં, નીમ
કોઈ દિ બાઈ, કારણ વગર દેખવું નહીં દાઝવું નહીં
લાજવું નહીં કોઈ વાતે પણ ચળવું નહીં, નીમ
ઑય મા રે, સંભારણા પેઠે જામરો મારી પાનીએ મૂવો
સળકે છે કંઈ....
ઑય મા, મને પગમાં કાંટો લવકે છે કંઈ....
ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ....