મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મીરાં સામે પારનું’ સ્મરણ થતાં લખાયેલું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
'મીરાં સામે પારનું’ સ્મરણ થતાં લખાયેલું ગીત

         હરિ હાલીને આવ્યા અમરેલીએ
મેં તો ધાર્યું’તું કે પ્હેલવ્હેલા ઊતરશે ગામની ત્યાં ઊંચી હવેલીએ

         મારા હાથમાંથી વાસીદાં હેઠેં પડ્યાં
         એ તો આવ્યા–ન આવ્યા ને હૈડે અડ્યા

સખિ, આવવાના વાવડ જો લગરીકે હોત તો તો નીંદરને દીવે ના મેલીએ?

         જોયા લથબથ ને નખશિખ રઘવાયા થતા
         કોના વિરહી લોચનથી ખેંચાયે જતાં?
કહે, ગોકુળના આંસુમાં ઓછપ હતી કે અહીં અટકે તે શ્રાવણની હેલીએ?

         ક્યાંક સ્યાહીમાં ઘૂઘરીઓ વાગી ઝીણી
         જરી અટકે ને ઠમકારા લેતા વીણી

પછી કાગળ પર મીરાંને નાચંતી જોઈ હિર ઊભા રમેશજીની ડેલીએ