મનોહર ત્રિવેદીની વાર્તાઓ/૨. ફરક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. ફરક

વૃદ્ધને ઊંઘ ન આવી. ખાટલામાં બેઠા થઈ ગયા. પોતાની આજુબાજુ તરડાતા કોલાહલને અસહાયપણે નીરખ્યા કર્યો. આંખોમાં અકળામણનું જાળું બાઝી ગયું. જૂના ઘરને ખપેડે લટકી રહેલાં કરોળિયાનાં જાળાં ભણી નજર વળી. ઝૂનન...ઝૂનનઝૂન : નેવાંને ટેકો આપી વરસોથી ઊભેલી થાંભલીમાં ભમરી છિદ્ર પાડે છે. વૃદ્ધને શાન્તિ જોઈએ છે. કોલાહલથી ભીતરમાં કશુંક કોતરાયા કરે છે. બધાં પંખી, આ ધોમ તાપમાં ક્યાંક લપાઈ ગયાં હશે, નથી નિરાંત આ ચકલાં અને કાબર–કાગડાને. અટકતો જ નથી એનો કલબલાટ. શેત્રુંજીમાં ભળ્યો ગાગડિયો ને એમાં ભળે પાછો ખારો! પૂછવું જ શું પછી? આ ખિલખોડાંના જીવને ય, એમ, ક્યાંય નિરાંત નંઈ. ઘંટી ટાંક્યા જ કરે, રોંઢો ઢળે પણ પળનો ય પોરો નંઈ. આમથી તેમ હડિયું. ને એની લૂલીનું ટાંકણું ટિટ્રીક..ટિટ્રીક. ખિસકોલીની વાણી વૃદ્ધની જીભને ટેરવે બેઠી. પડખે કાના બેચર ડોડિયાની કોઢ્ય છે. બપોર થાતાં ગામ આખું જંપી જાય. કાનો બેચર નો જંપે. આવે ટાણે જ લોઢાં ટીપવાનું એને નીમ. કોક નિરાંતે લંબાવે ઈ એનાથી કેમે નો ખમાય. અહખ થાય, નવરીનાને ઓછામાં પૂરાં, ઘરનાં ને પડોશનાં છોકરાઓની ફોજ. એમના મનમાં ગુસ્સાનો ઊભરો આવે છે. ટેવ પ્રમાણે માથાને બે ચાર ઝટકા આપીને તળિયે બેસારી દે છે. આટલા લાંબા આયખામાં ઓછું નથી વેઠ્યું. આટલું નો વેઠી લેવાય? સ્વભાવને ઠારતાં અને વારતા આવડવું જોવે. ગઢપણ લગી જાત નો કેળવાય ને ઠૂંઠાં ભેળા થાંઈ ત્યારે... અરથ વગરનું હંધુય, શિવ...શિવ... સ્વરને બને તેટલો કોમળ બનાવી, ખડકીમાં રમતાં છોકરાંઓને એમણે વિનવ્યાં : બેટા રાધુ... પિનુ... આ ખરા તડકામાં તો ઘડી દમ લ્યો. તમે ત્યાં દેકારો કરો છો ને આંયા મારાથી ય નથી ઊંઘાતું. ક્યાંક કોકને લબરકી થૈ જાહેને, જો .....ઃ વૃદ્ધે વાક્ય અધૂરું મૂક્યું. એટલા સૂચનમાત્રથી છોકરાઓની ‘ગેંગ’ ચૂપ થઈ ગઈ હતી. શાન્તિ માટેની દાદાએ કરેલી પ્રાર્થનાને તરત ફળ મળ્યું. પોતપોતાનાં નાક પર તર્જની ઠેરવી, અન્યોન્યને જાણે કહેતાં હતાં : શીઈત્‌, તાણીને નૈં બોલવાનું. આ તો કાંય કીધું નથી. ખીજાય તો બડિયો જ લે ને ઢીંઢાં સબોડી કાઢે.... : પોતાના પ્રભાવથી વૃદ્ધને થોડી ખુશી ઊપજી. લગરીક સ્મિત ફરક્યું ને સુક્કા હોઠના બેઉ ખૂણાને ભીંજવી ગયું. શિવ...શિવ...પોતાના કાનને માંડ સંભળાય એમ એમણે નામસ્મરણ કર્યું. પછી, પાણીમાં ભીંજાવેલા ગમછાને ઊકેલી, માથે ઓઢ્યો ને કાથીના ખાટલામાં પાછું લંબાવ્યું. ઊંઘ માટે ફરી ફાંફા માર્યા. કશું ન વળ્યું. ફળિયાની લૂએ પોતાને ચારે–પાથી ઘેરી લીધો હતો. દુબળા હાથે વારંવાર ગમછાને ફરકાવ્યો. હઠીલી લૂ ઓસરીની કોર લગી જઈને પાછી ફરતી. થોડો સમય દ્વન્દ્વમાં પસાર થયો. છેવટે હાથ હેઠા પડ્યા. ઘડીક આંખ મળી હશે કદાચ. અકળામણ પરસેવારૂપે પ્રસરતી રહી. છોકરાઓનાં બરાડા ને બાથોડાં વળી વળીને કાનના પડદામાં કાણા પાડવા લાગ્યાં. વિચાર્યું, હવે આ કલબલિયાંવ જંપવા નંઈ દેે. વૃદ્ધને ખાટલામાં કંટાળો આવવા લાગ્યો. બેઠા થઈ ગયા. ઓસરીની કોરે, થાંભલી પાસે પુત્રવધૂએ પાણીની ભુંભલી ભરીને મૂકી રાખેલી. અને વહુની કાળજીથી થોડી ખુશી ઊપજી. ભુંભલી સામે ટીકી ટીકીને જોઈ રહ્યા ને માથું હલાવી મૂંગો સંતોષ વ્યક્ત કર્યો. ઈંસને ટેકે ઊભા થઈ ભુંભલી પાસે ગયા ને એની માથે ઊંધા વાળેલા ટમ્બલરને ઉઠાવી તેમાં પાણી રેડ્યું. મોં ધોયું, પાણી પીધું. કોઠામાં ટાઢો શેરડો પડ્યો એટલે ‘એએેહે’નો સ્વર ગળામાંથી આપોઆપ નીકળી ગયો. રોંઢો ઢળી ચૂક્યો હતો. તડકાનો પ્રભાવ હજી ઓસર્યો નહોતો, ગરોળી પેઠે દીવાલને વળગીને ધીરે ધીરે, નીચે દડી ન પડાય એ રીતે, ઊંચે ચડી રહ્યો હતો. વૃદ્ધની આંખો નીચે છુપાયેલા આતંકિત છાંયડાએે હવે બહાર નીકળવા વિચાર્યું. ખાટલામાં પડ્યા પડ્યા વખત પસાર નહોતો થતો. એમણે ઉઘાડી ખડકી તરફ નજર ફેરવી. બાળકો હજીય રમતમાં વ્યસ્ત હતાં. હાથનું નેજવું કરી, નેણ પર ધર્યું ને પછી સાદ દીધો : રે બેટા રાધિકા, અંઈ આવો : છોકરાઓ રમતમાં એવાં તો મશગૂલ હતાં કે દાદાનો ક્ષીણ સ્વર કદાચ એમને કાને પહોંચ્યો નહીં હોય. એમણે ફરીથી ઊંચો અવાજ કરી કહ્યું : દિલુ...પિનુ...ચીકુ... : છોકરાઓ રમત અધૂરી છોડી દાદા તરફ દોડી આવ્યાં : આવ્યું ત્યારે આખ્ખેઆખ્ખું ટોળું આવ્યું. સાદ દૈયે ત્યારે કોઈ નો ફરકે. ખરા ખેપાન... : રાધિકાનું મો ચડેલું હતું : મને કાં નો બોલાવી? તમારી સાથે અટ્ટા... ઃ પરથમ પેલ્લા તો તને જ બરકી’તી. કાનસોરો કોણ દે? : દાદા હસ્યા : ઠીક, જા, તારી બાને કે, ચા મૂકે બન્ને પુત્રવધૂઓ પાછળની ઓશરીમાં અનાજ ઝાટકતી બેઠેલી. રાધા બોલી : કાકી કાકી, દાદા ભારે ખારા થ્યા છે હો! ચા મૂકો ઝટ્ટ, નિકર દાદા... હા કૈ દીધું તમને, પછી કે’તાં નૈં, અમને કીધું નો’તું : છોકરીને દાદાની વાત પોતાની રીતે વ્યક્ત કરતા ફાવે છે. નાની વહુ બારખલાંને એટલે જ કહેતી : આ અમારા ગલ્ઢાં હાહુ મારાં જેઠાણીની કૂખે અવતર્યા છે : રાધિકા પાછળ આવેલી નાની વહુની ચીકુડી પડઘો પાડતી એની પાછળ દોડી ગઈ : આ કૈ કીધું ટમને..અમને કેટાં...નોટું કીઢું : નાની વહુએ ત્રાંસને અનાજના ઢગલા પર મૂક્યો ને જલદી જલદી રસોડા ભણી વળી. વૃદ્ધે નોંધ્યું : વહુએ પાલવને દાંત નીચે દબાવીને કે’વા પૂરતી લાજ કાઢી છે. ખમી ખાવાનું. ઢોંગ છે, ઢોંગ લાજ કાઢવાનો. અરેરે, શે’રના વાયરા ગામડાનેય આભડી ગ્યા. પાછલી ઓશરીમાંથી ઈ વાતું કરે છે, ઠેઠ આંય મને સંભળાય છે! : મનોમન વિચાર ઉપર તરી રહ્યો : ગામછેવાડે એકાદ ઓરડી ભાડે રાખી રે’વું જોવે. પેન્શન આવે છે, મારે એકલાને વધુ શું જોવે? શાક–છાશ—દૂધ, કાંય નો લેવું પડે. આટલાં વરહ ભીંછા નથી પાડ્યા : ક્યાંય લગી એ જ મનોદશામાં એ બેઠા રહ્યા : છોકરા-વહુની નિંદા કરાવ્વી છ! શી ખોટ છે આંયા. બા’ર બાદશાઈ છે ભલી આ માળા, ભલો હું. આ બધી ઝંઝટ મેલી દૈએ, પાધરું જ છે. પણ.. નથી ખમાતાં આ દેકારા ને રીડિયારમણ...ઃ પગ છૂટા થાય, એ ઈરાદે ખાટલામાંથી ઊઠ્યા. જોયું તો ખીંટીએ ટોપી કે ઝભ્ભો નથી, નથી લાકડી. અવાજમાં થોડી તીવ્રતા ઊલેચાઈ : એ રાધી, કોણ લૈ ગ્યુંં મારું...આપદા છે... મારું તમે કાંય નંઈ રે’વા દ્યો : દાદાનો બરાડો સાંભળી બન્ને વહુઓ બહાર દોડી આવી. બપોરના આ ટણકટોળીએ દાદાનો વેશ ધારણ કરેલો. દિલુભાઈએ જ ચશ્માં–લાકડી–ટોપી–ઝભ્ભો ફળિયાનાં લીંમડા કને મૂકી દીધેલાં. બધું વેરવિખેર, વહુએ ઝભ્ભો–ટોપી ઝાટક્યાં ને ખાટલા પર મૂક્યાં. રોશને દબાવતા વૃદ્ધના હોઠ આછું આછું કંપી રહ્યા’તા, એ વહુએ જોયું. એણે પૂછ્યાગાછ્યા વગર બધી રીસ, મોટા વિનુ પર ઠાલવતાં એક અડબોથ એને વળગાડી દીધી. વિનુ બરાડ્યો : જોવા કારવ્યા વગર બધો વાંક અમારો કાં? પૂછ રાધલીને, કોણે આ...ઃ બાકીનું વાક્ય આંસુ વાટે વહેવા માંડ્યું. ભાઈને રોતો જોઈ, નાની ચીકુડીએ પણ તાર સાંધ્યો, વૃદ્ધ હવે ખરેખર અકળાયા. એમણે ઝટપટ ઝભ્ભો પહેરી, માથે ટોપી ને હાથમાં લાકડી લઈ ખડકી તરફ પગ વાળ્યા. ઃ દાદા, હું આવું તમારી હાર્યે? પાછા વળતાં અંધારું થૈ જાહે તો ભાંગશે ટાંટિયા ને છ મૈનાનો ખાટલો... માનતા નથી તે.. રાધિકા દાદાની મોટીબા હતી. એના શબ્દો સાંભળીને તો રડતા વિનુ સહિત કોઈ હસવું રોકી શક્યું નહીં. –તમે ચિન્તા નો કરો માડી, ટાંટિયા ભાંગે તો તમતમારે તમે હળદર નો ભરતાં, હાંઉં? ખડકીની સાંકળ ખેંચતા બોલ્યા : ફળિયામાં જ રમજો. ધણ પાછું વળવામાં છે, વગાડી દેશે કો’કને... : કહીને વૃદ્ધે બહાર પગ મૂક્યો. રાધિકાનું મોં લેવાઈ ગયું : મૂંગા મરતાં હોત તો આપણે બધાં જઈ હકત. ...ઃ – હરિૐ તત્સત : વૃદ્ધ શેરી મૂકી, સાંકડી બજારની ભીડમાં ભળી ગયા. પાણી ભરીને આવતી સ્ત્રીઓનાં ટિખળ, શાકની લારીવાળાની કાનફાડતી રાડ, પાનને ગલ્લે ઊભેલા જુવાનોની ધિંગામસ્તી... ઘરની દાઝી વનમાં ગઈ, વનમાં લાગી આગ. એવું છે ઠેકઠેકાણે. ક્યાંય શાંતિ નથી. આખ્ખું જગત કચકચ ને કલબલાટથી ઊભરાય છે. નંઈ કોઈની લાજમર્યાદા, માનમરતબો કે આંખ્યની શરમ. સંધ્યાટાણે નામજાપ હોય તો સંસ્કારનું ટીપું નીરખીએને? ગામ હાળું આખું નૂગરું. ચોરે ચડી આરતી પછી, કીર્તનને ઠેકાણે છપ્પરતોડ રાગડા, નર્યા રાગડા. જેવી હથેળિયું બરછટ, એવાં જ ગળાં બરછટ. નહીં રાગ, નહીં ઢાળ કે નહીં તાલ. સાંજ ઢળવાને હજી વાર હતી. મકાનોને નેવે લટકનાં તડકાનાં ચીંથરાં જોતી આંખ ફરી નીચે વળીને પગ સાથે ચાલવા માંડી : ક્યાંક ઊબડખાબડ રસ્તામાં લથડી પડ્યાને જો... : કણબીનો છોકરો ભેંશો લઈને પસાર થયો. એને રમાડેલોયે ખરો ને ભણાવેલો ય. રોજ તો, કાં માસ્તરદાદા, કહીને બોલાવતો, આજ જાણે મને ભાળ્યો જ નથી. મોર્ય મોર્ય ચાલે ઈ ઢોર ને બડિકો લઈને વાંહે ડચકારા દેતો જાય, ઈ ઢાંખર. આનાથી વધુ તિરસ્કાર કરવાનું વૃદ્ધનું ગજું નહોતું. એણે જોયું, આગળ ચાલ્યાં જતાં કાનજી પસાયતાને, ભેંસે શિંગડાનો તો નંઈ, પૂંછડાનો સ્વાદ ચખાડ્યો. જાતને બચાવવા જતાં, એનાથી પાછું વાળીને જોવાઈ ગયું. કહે : માસ્તરદા’, ઘરે પડ્યા રે’તા હો. અટાણે આ ડોબાં ક્યેંક શિંગડે ચડાવશેને... : તે હસ્યો. એ એનો ગાલ ચંચવાળતો હતો : તમારે હવે ક્યાં કાંય આપદા છે? બેય છોકરા તમને ટેકો આપતા થૈ ગ્યા. વરાવ્યા—પવણાવ્યા. ધૂબાકા. માળા લૈને બેહી ગયા... : કાનજી પસાયતા સામે એણે જોવા પૂરતું જોઈ, મોં મલકાવ્યું, બાકી, એને ચિન્તા તો છોકરાંઓની થતી હતી. આ ડોબાં જોને, હડિયું કાઢે છે તે કેટલાંયને નરવાણ્યે ચડાવી દેશે. પેલાને જવાબ દેવા ખાતર દેવો પડ્યો. કાનજી, એમ કે ઘડીક પગ છૂટો થાય. કામઢા રે’વામાં મજો આવે છે. એક વાર મારી જેમ નકામો થૈ જો, પછી માળા લૈને આખ્ખો દિ’ કેમ બેહાય છે, મને કે’જે : પસાયતો દુકાન આવતાં, બીડીની ઝૂડી લેવા અટક્યો. પુનઃ તાંતણો સંધાયો : વહુઓને કશી પડી નથી. આમ છોકરાં ઊઝરતાં હશે? : જમીનથી ઊંચાઈનું માપ લેતા હોય એમ હથેળી ગોઠવી, સ્વગત બબડ્યા : આવ—આવડા હતા ને એની મા ગુજરી ગઈ... પછી શું શું નથી વેઠ્યું, એને માટે? ધાર્યું હોત તો, મારી ઉંમર શું હતી? પણ ના. હું જ એની મા ને હું જ એનો બાપ. છોકરા આ બધું ભૂલ્યા નથી જો કે. હાંઉં. આ ય ઓછું નથી. જમાનાનો વા’... ત્રૂટક ત્રૂટક તાર સંધાતા. તૂટતા. જોડાતા. પાણીશેરડા પાસે આવેલું શિવમંદિર પણ આજે પસાર થઈ ગયું. ટોપી ઉતારી, માથું નમાવવાનો ક્રમ આજ ન સચવાયો. અંદર થોડીવાર ચચરાટ થયો. એની ઇચ્છા વગર કાંય ન સૂઝે. એની જ મરજી. શિવ શિવ તળાવ તરફ પગ વળી ચૂક્યા હતા. પોતાને એની ય સરત નહોતી રહી. પાળ ઉપર પીંપળાનું ખખડધજ ઝાડ છે. વારેતે’વારે એ પૂજાતો. સૂતરના તાર એની ફરતા વીંટાતા. ક્યારે? શી ખબર! એણે ક્યાં કોઈ દિ’ ગામોટું કર્યું છે. આ વાતે થોડો ગર્વ અનુભવાયો : પોતે વેઠવામાં બાકી નથી રાખ્યું, હાથ નથી લંબાવ્યો, નથી લંબાવવો પડ્યો, મારા ભોળા શિવના પરતાપે. કુટુમ્બ નથી જણતું આ વાત, તો મલક ક્યાંલી જાણે? મારે શું લેવા એનાં ગાણાં ગાવાં જોવે? ચિત્તમાં વિચારોની ડમરી ઊઠતી–શમતી રહી : જીવતરને આરે પૂગ્યા પછી, આ સંધુય છૂટવું જોવે. હાયવોય મૂકવી જોવે. છોકરાવને નકામો હિસાબ-કિતાબ પૂછું છું. મારો હિસાબ-કિતાબ ઠીક છે, કરજ નથી થવા દીધું. જમા બાજુ સાવ કોરી નથી. ઘણું ઘણું. ઈ યે મારે ક્યાં વિચારવાનું છે? ચોપડો ચોખ્ખો ને ઉઘાડો છે. મર જોઈ લે, ચશ્માં ચડાવીને, મારો નાથ... : પીપળાને અઢેલીને બેઠા. પગરખાં આઘાં હડસેલ્યાં, લાકડીના છેડાથી. ઊભા ગોઠણ ઉપર બીજા પગનો ગોઠણ કાટખૂણે ગોઠવાયો. આમ બેસવાની એમને કાયમની આદત છે. આમ બેસે છે, ત્યારે પરમાત્મા શ્રીકૃષ્ણનું સ્મરણ અવશ્ય થાય છે. આમ અહીં હું બેઠો છું, એમ જ બેઠા હશે. સામેથી તીર છૂટ્યું હશે ને પાની—સોંસરવું નીકળી છાતીમાં... પીપળાનું એકાદ સૂકું પાન ખરતાં જ નજર સામે મંડાઈ. કોઈ નથી. ઊંડી ઊતરી ગયેલી આંખોમાં વિષાદ અથડાય છે. પોપચાં પર હાથ ફરી વળે છે ને આંગળીના ટેરવે થોડોક ભેજ વળગે છે. કોઈ અનુસંધાન વિના પત્નીનું સ્મરણ વિષાદને વધુ ઘટ્ટ બનાવે છે. થતું : શાંતા અહીં જ શું કામ સાંભરે છે? અહીં એનું એકાદુંય સંભારણું નથી. તો? ફરી મનને વાળ્યું : હજીય માયા નથી મેલાતી? નિર્જન ટીંબે ગામ વસાવવાનું? ક્યાં લગી? ડાબે ખંભેથી ઊતારીએ ને જમણે ચડાવીએ. ભાર ઈનો ઈ. કાંય ફેર નંઈ : એણે જાતને વળી વળીને ટોકી. સ્વભાવમાં જ નામ–સ્મરણ નથી. ઝાડ પાંદડા ખેરવે એમ ખરી જવું જોવે. પણ ઘરનો કોલાહલ ક્યાં ઠરીને ઠામ થવા દે છે? : હરિૐ તત્સત્‌ : ઉચ્ચાર કરી ઊઠ્યા. અંધકારે ચારે-પાથી વાતાવરણને ઘેરી લીધું હતું. પગને અજવાળાની જરૂર નહોતી. ટેવવશ એક પછી એક ઊંચકાયે—મૂકાયે જતા’તા. પાદરના લીમડાને ઓટે બાપુદાન ગઢવી રાવણું જમાવીને બેઠો હતો. એણે ‘હાલ્ય’ ઉપરથી માસ્તરને પારખ્યા. પૂછ્યું : કેમ માસ્તર, પરબારા? તમારા ગિનાનનો લાભ કયેંક... : ઃ બૌ મોડું થૈ ગ્યું, બાપુ. નકર બેહત : અટક્યા વગર એણે જવાબ વાળ્યો. ઘર ભણી પગ ચાલતા રહ્યા. મનમાં થોડો રોષ જન્મ્યો : હાળા, ગઢવા, તારી હાર્યે બેહીને શું કરવાનું? તારા જેવા ઊઠિયાણે ગામની પત્તર રગડવા સિવાય બીજું કાંય કરવાનું ? ભારે ભારે, ક્યાં ગ્યાં’તા, તો કે’ હળવા થાવા!—આવાની હાર્યે બેસીએ તો આમ થાય. તે દિ’ પરાણે બેઠાડ્યો. એણે કીધેલી વાત સાંભરી : આ આપણી જેમ એક ગામમાં કણબીઓ ઓટલે ચડીને બેઠેલા, ખખડધજ વડલાના છાંયડામાં. બે—પાંચ પાળિયાને જોઈ, કોક વટેમારગુએ પૂછ્યું : આ પાળિયા કોના? : રાવણામાંથી એંશી પંચ્યાસીના એક ભાભાએ જવાબ વાળ્યો : ભાઈ જુવાન, તંઈ તમ તમ જેવડા અમે જુવાન હતા. પડખેના ગામના કાઠી સીમાડેથી અમારા ગામની ગાયો વાળી જાય છે ને ગોવાળને માર મારી, રણગોવાળિયો કરી, પોતાના ગામની દશ્યે હાલ્યા જાય છે. વાવડ સાંભળતાં જ આંયા બેઠેલા અમારા જુવાનડાનાં લોઈ ધગી ગ્યાં. ધારિયાં—બૂંહા, જે મળ્યાં તે હથિયાર લૈને વારે ઊપડ્યા. તે હૈયાચડીના ચડી ગ્યા ને પાળિયા થ્યા, ને મારી જેવા બેઠા’ર્યા, ઈ જો તારી સામે હોકા ગગડાવતા બેઠા : બાપુદાનની રોનક સાંભળીને બેઠાડુ સંધા ફાંદયું હલબલાવતા ખખડી પડ્યા’તા. ચારણનો દીકરો વાતું માંડે, પણ આવી? કે’ છે : કેમ માસ્તર પરબારા? : : તારા બાપનું સરાવવા : મનમાં ને મનમાં જવાબ વળાઈ ગયો. આછી–અમથી ઠેશે, શેરીની ધૂળ આંખે અડી. કણું પડ્યું હોય એમ લાગ્યું. ગમછાનો છેડો થૂંકથી ભીનો કરી, એણે આંખમાં ફેરવ્યો. કશું વળ્યું નહીં, ખૂંચતું રહ્યું, વીત્યા દિવસોની જેમ. શાન્તા ગઈ, સુવાવડમાં, દીકરીને જીવતી સોંપીને. નાની છોડીને સાચવવાની પળોજણ...પડોશીનું ભલું થજો. રામજી કાનાની વહુએ પોતાની દીકરી હાર્યે આને ય થાનોલે મેલી. એટલે જ ઈ દીકરીને વળાવી ત્યારે મા થઈને ઊભી રઈ’તીને? લગન વખતે મારે માથે કોઈ ભાર નંઈ. મને ક્યાં ખબર છે, એનાં આણાં—પરિયાણાંમાં શું આપ્યું? ક્યારે જાન આવી, ક્યારે વળાવી. ક્યાં સરત રઈ’તી મને? પણ આ બે મોટા છોકરાને ઊછેરવામાં ઓછું વેઠ્યું છે? નિશાળે રોજે રોજ આંગળીએ વળગાડતાં જવાનું. વહેલા ઉઠાડવાનાં. રોતાંને છાનાં રાખવાનાં, મનાવવાનાં, ફોસલાવવાનાં. નવરાવવાં-ધોવરાવવાં, લૂછવા-કારવવાનાં – રોજની આ ઊઠવેઠ કોણ કરે? પડોશીને ય પોતાની મર્યાદા હોય ને? એને ય ગામમાં રે’વાનું. કોઈની નિંદા, કોઈનાં વાંકાં વેણ, કયા સ્વારથે સાંભળવાનાં? જનાર તો છૂટી ગૈ...એમાં એનો શો વાંક? એને ઓછી ખબર હતી, આમ માયા–મમતા સંકેલીને નીકળી જવાનું છે? એ ક્યાં એના હાથની વાત હતી?... ઈ પછી કેટલાં કે’ણ આવેલાં? હું મક્કમ રયો. મારે નમાયા છોકરાંને જીવતાં નરકમાં નો’તાં ધક્કેલવાં...આમ ને આમ કરતા વીશ–વીશ વરહનાં વાણાં વાઈ ગ્યાં. છોકરાં પઅણાવ્યાં—પહટાવ્યાં ને એનાં છોકરાંવની યે દોરી ખેંચી! થયું, ચાલો, હવે નિરાંત. કપાળમાં જ કાણું, નિરાંત નીકળી જાય કાણા સોંસરવી! ઘરની ખડકીએ પહોંચ્યા તો વહુ-દીકરા મોટે મોટેથી વાતો કરતાં સંભળાયાં. આમાં નાનાં છોકરાંવની શી વાત કરવી? કે ગમતી હશે આટલી ધમાલ સૌને? ધીમે બોલવાની ચાંપ મૂકતાં જ ભૂલી ગ્યાં હશે ભગવાન? ભોગળિયો ઊંચકાતાં, દાદા આવ્યાનું જાણી સૌ શાંત પડી ગયાં. બંડી, ટોપી ને લાકડી ખીંટીએ ભરાવતાં પૂછ્યું : કેમ આમ બેઠાં છો સૌ? છે કાંય? વહુ હાથ–પગ ધોવા ઓશરીની કોરે વૃદ્ધ માટે ગરમ પાણીનું દેગડું ને પ્યાલો મૂકી ગઈ. ઃ બેસી જવું છેને, વાળુ કરવા, બાપુ? : નાનાએ પૂછ્યું. ઃ કાઢો : ગમછાથી હાથપગ લૂછતાં એણે કહ્યું : શી વાત હતી? ચીકુડી પોતાના નાના નાના બેઉ હાથથી ઢીમચિયું લઈ આવી : આ લે, ડાડા : ઃ લાવો મારી મા. ક્યારેક હાથમાંથી છૂટશેને, ભેંકડો બંધ નંઈ થાય : ગોઠણ નીચે ઢીમચિયું દબાવતાં એણે ફરી મોટા સામે આંખ વાળી. ઃ અમારા બન્ને ભાઈની બદલીના હુકમ હાવ્યા છે. ઠેઠ રાણીવાડે...ઑફિસે એવો નિયમ કર્યો છે કે કોઈ શિક્ષકને વતનના ગામમાં નંઈ રે’વાનું. કે’ છે, કામ નથી કરતા. પોતાના અન્ય ધંધામાં જ રચ્યાપચ્યા રે’ છે... અમારી જેવા, તમારી લાઈને હાલનારાને મરો. આપણે ક્યાં ખેતર–વાડી છે કે દુકાનું છે, તો ય. શું થાય? સૂકાં હાર્યે લીલાંનોય સોથ તો વળે જ... એટલું સારું છે કે બેય ભાઈને મૂક્યા છે, એક જ ગામમાં. જુદાં રસોડાં નઈ કરવાં પડે : મોટાએ પૂરી વીગત કહી સંભળાવી. નાનો કહે : એમાંય ઓછા ધોડા નથી કરવા પડ્યા. હેડક્લાર્ક તમારી પાસે ભણેલો છે, ઓલો મિયાણી, એણે સા’બને એક જ ગામની વાત માંડ ગળે ઊતરાવી : વૃદ્ધનું હૈયું, બદલીની વાત સાંભળવા છતાં પોરસાયું : વખત વખતની વાત છે. અમે આખી જિન્દગી બે ગામ વચ્ચે પૂરી કરી. સાયેબો આપણું કે’વું કાને ધરતા, પોતાના નોકરિયાતને કોરાવતા નંઈ. ઠીક, આપણે ક્યાં આ ગામમાં ગરાસ લેવાનો છે. રોટલો ને ઓટલો આપે ઈ જ આપણું ગામ. ઊપડો. કરો તૈયારી : જાણે હમણાં જ નીકળવાનું હોય એવી ઠંડકથી ડોસા બોલ્યા ને રોટલાના ટૂકડા ઉપર ખીચડીને ચડાવી. ડોસાનું ધ્યાન ન જાય તેમ સૌ આછું હસ્યાં. થોડી ક્ષણો નિઃશબ્દ પસાર થઈ. મોટા દીકરાએ જ હિંમત કરી બોલવું પડ્યું : તમેય અમારી હાર્યે...કે એકાદ વહુને આંયા, તમારી કને મૂકતાં જાંઈ? : ઃ શું કરવા? ગમ્મે તે એક આંય રે’ મારી કને, મુંઝાઈનો મરે બિચારી? મારી ચિન્તા નો કરતાં. હું જાણું છું કે બેય વારાફરતી મારી સેવા કરવા રે’ય ખરી. બેય દીકરિયુંનાં માવતર કોણ છે? ડોસાએ કૃતજ્ઞતાપૂર્વક વેવાઈઓને સંભાર્યા. ગમે તેમ પણ ડોસાના ચહેરા પર થોડો રાજીપો દેખાતો હતો. પુત્રો અવઢવમાં પડ્યા. કહે : તો બાપુ, તમેય અમારી સાથે રાણીવાડે આવો તો? અમને ય ચિન્તા... : ઃ શાની ચિન્તા? મારા હાથ–પગ હાલે છે હજી. એકલપંડે મારે જોવે કેટલુંક? દિ’ આખો કરવાનું શું? બે ટંક ચા, બપોરે જમવાપણું નથી. સાંજે શાક ખીચડી ને એકાદ ચાનકી... મઈને—માસે, રજામાં એકાદ ભાઈ, વહુ સાથે આંટો દૈ જાજ્યો. ખૂટતું સીધું–સામાન ભરી જાવ ને, એટલે ઓહો : દીકરાઓએ ધારેલો જવાબ જ હતો. ડોસાએ ચલાવ્યું : પછી આખ્ખો દિ’ નવરોધૂપ! હાથમાં માળા ને હોઠે હરિ... : બાપનો ઉમંગ છાનો ન રહી શક્યો : મારા વા’લાએ માંડ મોકો... : કોણ જાણે કેમ, વાક્ય અધૂરું મૂકીને વૃદ્ધ મૂંગા મૂંગા તમાકુ ચોળવા માંડ્યા. ઃ આ ગામમાં જનમ્યો, જીવ્યો ને ગામની માટીમાં જ પાછા માટી થઈને ભળી જવાનું! વાળુટાણે આવી વાત છોકરાંવને ગમશે નંઈ, વિચારી મનમાં જ રહેવા દીધી. સામાન બંધાઈને ગાડાંઓમાં મુકાઈ ગયો. ગાદલાં-ગોદડાંવાળા ગાડામાં વહુઓ અને છોકરાંઓને બેસાર્યા. એક ભાઈએ સાયકલ સંભાળી. ડોસા સૌને વળાવવા તળાવના ત્રિભેટા સુધી સાથે ચાલ્યા. છૂટાં પડતી વખતે નીચે ઊતરીને વહુઓએ પુનઃ વૃદ્ધને પાયલાગણ કરી, આશીર્વાદ મેળવ્યા. દીકરાઓ અને એમનાં સંતાનો પણ વહુઓને અનુસર્યા. દિલુ–પિનુ—રાધિકાના આક્રંદ આખા સીમાડાને વલવલતો કરી મૂક્યો. રાધિકા તો દાદાની માળાનો મેર. એને નજાક ખેંચી ત્યાં તો પોતાથીય ડૂસકું મેલાઈ ગયું. ઝડપભેર જાતને કાબૂમાં લઈ, સૌને ગાડામાં બેસી જવા સૂચના આપી. પોતાને આશ્વાસન આપતા હોય એમ, ધીમેકથી બોલ્યા : ક્યારેય છૂટાં નથી પડ્યાંને, તે... થોડા દિ’માં સંધું રાગે પડી જાહે...વાવડ મોકલતાં રે’જો...દિલ્યાને કરમ્યાં છે, બૌ ગળપણનાં હેવાં નો પડવા દેતાં...હાંક્ય રાઘવ, દીવાટાણું થાય તી મોર્ય રાણીવાડે પૂગી જવાય : એણે ગાડાખેડૂને ઉદ્દેશીને કહ્યું : થોડો ખટકો રાખજ્યો : બળદને પૂંછડે હાથ દેવાયો ત્યાં લગી સૂચનાઓ વહેતી રહી, વૃદ્ધની જીભેથી. ઘર તરફ વળતાં વિચાર્યું પંડ્યથી વધારે પાલવ્યાં છે તે લાગે. માગ્યા કરતો’તો તે મળ્યો એકલવાસ. હવે તો કામના છૂટવી જોઈએને, નંઈ તો છૂટશે લાકડાં ભેળા થાઈ તયેં. ધોળે દિવસે ય ખોરડું ભેંકાર લાગતુ’તું. જાણે વરસોથી બંધ નો પડ્યું હોય! વિચારોને રોળીટોળી નાખવા એણે ચા પીવાનું નક્કી કર્યું. કેટલા વરસે એણે ચૂલા ભણી પગ મૂક્યો. દૂધ-ચા-ખાંડ શોધ્યાં. આજે એકલા એકલા કોંટો નંઈ ચડે. એણે નવેળીમાંથી રામજી કાનાને સાદ દીધો. કહ્યું બેય ભાય રકાબી રકાબી પિયેં. ફળિયું આખ્ખું ખાલી ખાલી લાગે છે તે થયું, તને બરકું. માસ્તર, વહમું છે એકલા રે’વું. કાંક કારહો કર્યો હોત તો બદલી બંદ નો રે’ત તમારી તો સુવાસ પાછી... કરિયેં તો નો શું થાય. ભલા ભાય. પણ આ તો એમ કે છોકરાંવને ય ટેવ પડેને, છૂટાં પડવાની? લાંબે ગામતરે નીકળવાનું થાય તંઈ કોઈને આકરું નો લાગે. વહુઓએ ભાતા માટે ઢેબરાં ને બટેટાની સુકી ભાજી કરેલાં. થોડા ગરવામાં મૂકતી ગયેલી. રાંધવાની ઉપાધિ ટળી હતી, આજનો દિ’. ક્રમ મુજબ સાંજે ફરવા નીકળ્યા. આજે હંમેશ કરતાં વહેલા પાછું ફરી જવાયું. ખડકીમાં પગ મૂકતાં ટેવ પ્રમાણે ખોંખારો ખાધો, પછી એકલા એકલા હસી લીધુંઃ આજ ક્યાં કોઈ લાજ કાઢનારું છે! : ટાંકીના ઠંડા પાણીથી જ હાથ-પગ-મોં ધોયાં. હવેથી ધૂપ-દીવા પોતાને જ કરવાના છે. વહુઓ લાજ કાઢીને તુલસીક્યારે દીવો મૂકતી. પલાંઠી વાળી બેસી, માથું નમાવતી. બહુ ગમતું પોતાને. રોજ સાંજે શાંતા સજીવન થઈ જતી, જાણે. મોટી જેવી નમણી ને રૂડી એવી જ એની વાટ. કેવી ચીવટથી બનાવતી? જે બાઈને સારી વાટ બનાવતાં ન આવડે એને સંસારને ઊજળો કરતાંયે નો આવડે, એવી ગાંઠ બંધાઈ ગયેલી. એ વારે વારે કે’તા ય ખરા : એવી બાયુંનાં ઘર હોય હોલાના તરપંખડા રોખાં... ગરવું ખોલીને વાળુ કરવા બેઠા. ઢેબરાં સાથે ખાટી કેરીનો સંભાર લીધો. મોં તરફ વળેલ કોળિયો પાછો ફર્યો. ગરવામાં ને ગરવામાં કોળિયો મૂકાઈ ગયો. ઢાંકણ ઢાંકીને પાણિયારે ગયા ને કોગળો કર્યો. કદાચ ચીકુડી ને રાધિકાનાં કલબલાટ વગર અણોસરું લાગ્યું હશે, એમણે મનોમન વિચાર્યું. એકાએક રાત પડી ગઈ. પડોશમાંથી પણ કોઈની બોલાશ નો’તી સંભળાતી. દીવાના અજવાળાની હદ પૂરી થતી હતી તેની પાર અંધારામાં ડોસાએ આંખ માંડી. કશું હાથ આવે એમ નો’તું. હતી ત્યાં નરી સ્તબ્ધતા ને નીરવતા. દીવાનું ઝાંખુંપાંખું અજવાળું આ સ્તબ્ધતા અને નીરવતાને ઘૂંટી ઘૂંટીને કદાચ વધુ ઘટ્ટ બનાવે છે. ગોખ પાસે જઈ, તેમાં રાખેલા ટમટમિયાને ફૂંક મારીને ઓલવી નાખ્યું. ખાટલાના પાયામાં ભરાવેલી માળા હાથમાં લીધી. ન ચીકુડીનો કજિયો, ન રાધિકાનું વેન : દાદા, ઢુંઢિયા રાખ્શસની વારતા કો’ : દિલુ-પિનુ ખાટલે ચડી બેઠા નથી આજે. ભારે ખુશામતિયા : અમે આ પગ અમથા નથી દબાવતા. વારતા કો’ને ભાડું દૈ દ્યો અમારું : રાધિકા તો માળા જ પકડી રાખે. મન ફાવે એટલા ખીજાવને, ગાંઠે જ નંઈ. રાત પડે ને નવી નવી વારતા, ક્યાંથી કાઢવી? ગોઠણેથી ઘડતી જવાની, મીઠું–મરચું ભભરાવતાં જવાનું. એમાં ગોળબાપા આવે, ખારેક કાકી યે આવે.. બા’દુર બંકડો હોય એટલે કાસમ મુસા બા’દુર તો આવ્વા જ જોવે. નાની એવી ખાટલીમાં સમાઈ જતું હઠનું એ લુંઝું જ નથી અટાણે! નાની વહુ, એની રીંસ મોટ્ટી. તતડાવીને લૈ જાય, છોકરાંવને. લાજમાંથી ધમકાવે. ભોળી–બિચ્ચારી, એને એમ કે બાપુ સાંભળતા નથી. હોય. આજ કાલની છોડીયુંમાં એની ક્યાં નવાય છે? ભાવ એવો કે છોકરાંવ ખેધે નો પડે ને નિરાંતે ઊંઘવા દ્યે. હજી તો એણે વીશેય નથી વટાવ્યાં. પાંચ દીકરા વચ્ચે એકની એક દીકરી, પણ આ ઘરને કેવું પોતીકું કરી લીધું! માળાના મણકા પાસે આરેવારે આંગળી અટકી જતી હતી. હોઠમાં મંત્ર અધૂરો છૂટી જતો. અત્યારે નંઈ થાય માળા. એની જેવી મરજી... એણે માળાને ખાટલાના પાયામાં ભરાવી દીધી. રાત પડખાં ફેરવી ફેરવીને પસાર કરી. નીંદર પાંપણે નો જ ફરકી. એમને એમ ત્રણ–ત્રણ રાતની તુટામણ. પોતે જેની ઝંખના કર્યા કરી’તી તે મળ્યું, તો પણ આમ? આ મનને તે શું કે’વું? ડેલીને સાંકળ ચડાવી, તાળું મારી, કૂંચી રામજી કાનાને સોંપતાં કહ્યું : થયા કરતું’તું, આ રીડિયારમણ, આ કજિયા, એમાં ભક્તિભાવમાં ચિત્ત ક્યાંથી ભરોવાય? ઈ સંધા હતાં તયેં તો હરિ હોઠે આવીને બેહતો. ઈ ગ્યાં એની હારોહાર હરિયે ગ્યો ઠામૂકો! હતાં એના કરતાં નથી ત્યારે દસગણું કમઠાણ વધી ગયું. મનનાં કારણ એકેએક... એમણે થેલી હાથમાં લઈ, લાકડીને ટેકે ચાલવા માંડ્યું. ઘડીભર અટકીને બોલ્યા : રામા, છોકરાંવે એની હાર્યે લૈ જવા ઓછા કાલાવાલા નો’તા કર્યા. નો માન્યો. મેં કીધું, મારી ટાઢી આ ગામમાં જ ઠરશે. હવે તું જ કે,’ માટી આંયની હોય કે રાણીવાડાની, શો ફરક પડે છે? જ્યાં જાવ ત્યાં ઈની ઈજ ભોં. મૂઠી રાખને, તમે ગમે ત્યાં હો, આ ભોં પોતામાં ભેળવી દેશે...છોકરાંને કૈશ, હું માણસુડો જીવ, મને માણસ વગર નો સોરવે... પાછો તમારી ભેળો. ...સાચુંને રામા, તું શું કે’છ? અઠે દુવારક્યા, બીજું શું? ડોસાએ રામાના જવાબની રાહ જોયા વગર ફરી પગ ઉપાડ્યો.