મનોહર ત્રિવેદીની વાર્તાઓ/૮. પૂછીશ મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮. પૂછીશ મા

ચાર દિ’ મોર્ય સૂરતથી આવેલો. આવ્યા ભેળો જ મેમાન ને વાડી, ખેતરના આંટાફેરામાં પડી ગ્યેલો. મનમાને મળાયું નોતું. પાદરનો ઓટલો, એના ચારે પૉરના ધામા. ગોઠણ ફરતે આંગળિયુંના આંકડા ભીડીને ઝૂલતો’તો, ઈ. મને ભાળીને ઓટલેથી ઠેકડો માર્યો, ‘ખરી દાવળ્યની કરી છ તેં, સૂરત ગુડાઈને. મારે તો હામહામી ઝાલકું ઝીલનારું કોય નોર્યું.’ પાંચ વરહમાં તલ-વા યે ફેર નોતો પડ્યો, મનકામાં. મેં કીધું તો કે, ‘આપણું તો એવું; શિયાળો ચડે નંઈ ને ઉનાળો ઊતરે નંઈ.’ પછી મને કે’ ‘લીંટોડા તાણ્ય. કેદૂના નવકૂકરી નથ્ય રમ્યા.’ હજી તો એકાદું ભરત માંડ ભર્યું હશે ન્યાં જ ગોધ્યો એનાં ડોબાં પાવા નીકળ્યો. ‘કાં રમલા, દેહમાં કયૅ આવ્યો?’ મારા જબાપની વાટ જોયા વિન્યા જ ફટકાર્યું, ‘કોયની હાર્યે નંઈ ને આ ઉલાળની હાર્યે ક્યાં અટાણના પૉરમાં... બાવા માંગે ને મંગવે.’ મનકાને મૂંગો ભાળીને એને તાન ચડ્યું, ‘એને વાંહે ચૂડીકરમ કરવાવાળું તો હમજ્યા, લીલ પયણાવનારું ય કોય ખરું? રાત-વરતનો આંય ઢબી જાહે ને, તો આડોશી-પાડોશીમાંથી સાથરો લીંપનારુંંય કોઈ...’ મનકાએ હાંભળ્યું-નો હાંભળ્યું કર્યું. મને ભારેની નવાઈ લાગી. કીધું, ‘લે વાળ્ય ગોધ્યાભાઈને જબાપ.’ એણે અણગમાથી જ ગોધ્યા હામે આંખ્ય ઊંચકી, ‘અવેડો સુંઘાડ્ય, અવેડો સુંઘાડ્ય, છાનોમુનો, તારાં ડોબાંવને, હલામણ. વાડ્યના પાણકા પીળા કરી મેક્યા છ તે, હારોહાર્ય તારી કંકાવટીનેય બે ચાપવા બતાડજે. ખરપટડી જામી ગૈ હશે.’ મેં ખૂ-ખૂ-ખૂ દાંત કાઢ્યા. તોય મને બીક લાગી, ક્યાંય બડીકાવાળી નો થાય. પડખામાં ઘલાયને બેઠેલી ઝીંગોર્યને તો ભારે મજો પડી ગ્યો. કાંક કે’વા ગોધ્યાની જીભ હળવળે તી મોર્ય આવ્યે તો ઝબશારાનું બાણ છોડ્યું, ‘પારકી ને પોતીકી વંડિયું ઠેકવાનું બંદ કર્યે એટલે ઓહો, ઓહો છે.’ છોકરાની ઝીંગોર્ય એકબીજાના પડખાંમાં ઠોંહા મારતી ખડી પડી. આ હંધું મને વધુકું લાગતું’તું. ગોધ્યાનું એક ડોબું બીજી દૃશ્યે ચડ્યું તે એને, ન્યાં ક્યાં મર છ, કે’તાં વાંહે ધ્રોડવું પડ્યું ને ઑટોઝોંટો થાતો ૨ૈ ગ્યો. તો ય મેં તો મનકાને જ ઠબકો આપ્યો, ‘બાવા, તારી લૂલીને હખણી રાખતાં તને નો આવડ્યું તે નો જ આવડ્યું.’ એણે પોતાની ધૂનમાં જ હાંક્યે રાખ્યું, ‘ખોટું કે’તો હોવ તો મને ભૂરખ્યો (હનુમાન) પોગે. ગામની જુવાન બાયુંના ભડભાદર ભાયડા, ગામતરે ગ્યા હોય તો પડી-આખડીનેય દિ’ આથમ્યે પાછા ફરે...એની તેં, માંદરબખત! કોકનું જ ટડ્ડે કરવાનું...’ પાણીનાં બેડાં માથે લઈને જતી બાયુંએ આ હાંભળ્યું હશે. પોતાના સાડલાના છેડા દાંતમાં ભરાવીને હાલ્ય વધારી. ઘેરામાંથી દાંત કાઢતી કોક બોલી, ‘મનકોભાય બોલીનો તો બાય, ભારે વરહો... મેં કનકાને ઠોંહો માર્યો, ‘લે, હાંભળ્ય.’ ‘ઈતો શરમાવાનો ડૉળ કરે, બાકી તો એનેય આવું, આવું હાંભળવામાં જલસી પડે.’ કો’- ન કો’, એની મજા મરી ગૈ’તી. ઈ હેઠું જોઈને ક્યાંય લગી બેઠો’ર્યો. ખમીસમાં ડાભોળિયું ખૂંચે એમ ગોધ્યાનાં વેણ એને ખૂંચતાં’તાં, ‘કણબીની જીભ જ કુવાડાની...જધ્યનો....’ ‘તને તો એમ છેને, બાવા, તારી ડાળખીમાંલી ફૂલડાં ઝરે છ, ‘મારાથી નો રેવાણું, એણે મારા વાંહામાં ધબ્બો માર્યો, ‘તું ય ઘેલસફ્ફો નીકળ્યો. તું શું લેવા માથે લે છ? ઓલ્યા ગોધ્યાને, હાંભળ્યાંને, તેં? વતાવ્યો’તો મેં કે તેં એને? આફુડાં આફુડાં ઘોયા મારે પછી...’ સૂરતમાં હમણાં હમણાંનું ભારે મંદું હતું. હીરામાં ઑણ ચૉકી લ્યો કે પ્રિન્સ લ્યો. તળિયાના ને મથાળાના એક્કેના ભાવમાં ઠર્યા ઠેકાણું નો’તું. છોકરાંવની પરીક્ષા પતી કે તરત ગામ ભણી તાંતરાવ્યાં’તા. પાંચ-હાત મિલટના ઉલાળા લેવીં તયેં બેતણ દિ’એ માંડ ચાહટિયો ભીનો થાય. ઢોરને મોઢે’ર્યા વિન્યા તો છૂટક્યો નંઈ! પાછા લાયટના ડખા. એટલે ટેમ કાઢવા ઘણાખરા મનકા પાંહે બેઠક જમાવે, લીમડાને ઓટે. મનકો ને ઓટો - બેય નવરાધૂપ! સમર્યે હોંકારો. ગામપડ જાગતું રાખી જાણે. નવકૂકરીમાં એક પા આખ્ખા ગામને રાખો, એક પા રાખો મનકાને. નતોડિયું ખાવાનો વારો આવે ગામને ભાગે, મનકો ખાય રવદના પેંડા. વસૂલ નો કરે ત્યાં લગણ ડોહાડગરાને ખાંચો નો વટવા દ્યે. પણ આવો ઉકળ્યો નો’તો ભાળ્યો એને કોઈએ, ‘નાનિડયો વગર મફતનો મેણાટી ગ્યો, નાડીછો.... ‘એલા બાવા, આવી નાની અમથી મશ્ગરીમાં... ભાયબંધ તો....’ મારું કાંડું દબાવી બોલ્યો, ‘કેદૂનો ભાયબંધ? રમલા, તું ઈ કજાતને ઓળખતો નથી. એની છઠ્ઠી લખાતી’તી તયેં હું ને વિધાતા, બે જ ન્યાં ખોડાણાં’તાં.’ ‘પાંચમાં લગણ ઈ આપણી હાર્યો જ હતોને? એનાં કારસ્તાન આપણે તો જાણતા જ હોઈને?... જાવા દેને, એવી વાતુંને ચૂલાની આગમણ્યમાં... હાલ્ય, ભરત ભર્ય.’ એણે કૂકરિયું ઓટેથી હેઠે ફેંકી દીધી, ‘નંઈ જામે રમલા.’ તે ઓટેથી ઊભો થૈ ગ્યો. બેઠક ખંખેરતો બોલ્યો, ‘એને પેટમાં શેનું દુઃખે છ, ઈ તું નો જાણતો હોને?’ ‘ધરથી જ ઈ ભાય....’ મને પૂરું બોલવા દીધા વગર એણે ચલાવ્યે રાખ્યું, ‘તું આટલા ટેમથી સૂરત હતો... તે ડીટિયાની ય ખબર્ય નથી તને. એટલે જ આમ ડાઈડાઈ વાત કરી હકે છ, નિરાંતે. હું ઈ નવરીનાને ભાળું છ ને કાળા શેવડા ઊઠે છ, છાતીમાં. થાય કે સૂયા ઘોંકાવી-ઘોંકાવીને રોજ પાશૅર પાશૅર મારું. એક ઝાટક્યે મોત મળે એવાં કરમ કેવાં એના કપાળમાં?’ મનેય કાંય ગોધ્યા માટે ભાવ તો નો’તો જ. સાખ-ભાયું ને શેઢાપડોશી, એટલું જ. નૈં-રોખી વાતમાં એણે મારા મોટાભાયનું મોઢું તોડી લીધેલું. આમે ય એના ને અમારા ઘરને પૅલ્લેથી આવરોજાવરો ઓછો. રામરામ-શ્યામશ્યામનો વેવાર, પણ ખપ્પૂરતો. મરણ-પરણના પરપ્રસંગે વારો વદાડિયાવ્વાનો. મનકાએ મારાં આંગળામાં પોતાનાં આંગળાં ભરાવ્યાં, ‘હાલ્ય, રમલા, મારી વાડી દીમના, મેં તો ભાગવું આપી દીધું છ.’ મેં ઠૉળ કર્યો, ‘બાવાથી ખેતાં થતાં હશે? કરે તો લાંપરાંનાં ને ડાભનાં ખળાં લેવાનાં!’ ઈ કે’, ‘એમાં પોણી વીશ નૈં, સાવ હાચું, મેં તો મારી વાડીમાં છાપરું ઉતારી દીધું છ. ભાલિયો કોળી છે. ન્યાં જ એનાં બૈરાં-છોકરો હાર્યે રે’છ. ગામમાં હંધા ખેડુ ચોથો ભાગ આપે છે. મેં આવડાઆને કીધું, આપણે અરધના ધણી. આમેય વસ્તારવાળો છે, ખાતર-દવા-બિયારણ-લાયટ ને ઢાંઢાં-સાંતીનો જોગ હું કરીશ, મેં કીધું, ખરચની હામું નૈ જોવાનું. માંદે-હાજે દવાદારુનાં યે આપણાં કાવિડયાં, એના ભરોસે હાલે છ હંધું, આપણે એક હળીના બે કટકા નૈં કરવાના. ઉતારે જઈને, વહે વિઘોટી ભરવા સિવાયની કોય માથાકૂટ્ય નૈ. આપણે ક્યાં ખાંપણમાં હાર્યે બાંધી જાવાના છવીં, તું જ કે’?’ કાંક કામની ને કાંક નકામી વાતું ઈ આખ્ખે રસ્તે કરતો’ર્યો. ઊભા રઈને એક ગોળમટોળ પાણકો એણે ગોત્યો. પછી બે-પાંચ ડગલાં ધ્રોડીને ઘા કર્યો, વીજળીના થાંભલે, ધિડંગશારાનો. જોયુંને, ઈંટુકણ તો હજીય એવો, પણ આપણે ક્યાં ગોધ્યાની ઘોડ્યે ધંધો માંડ્યો છ ઈંટવાનો... લે, તુંય... : મારો ઘા તો થાંભલા લગણેય નો પૂગ્યો. મેં પૂછ્યું એને, ‘મેક્યને ગોધ્યાનો કેડો. આમાં ગોધ્યો ક્યાંથી આવ્યો?’ મેં પૂછી ઈ વાતને એણે ઠેકાડી દીધી, ‘શું બળ્યું છ સૂરતમાં? આંયા હશે તો ગામનું ઠીકરુંય ટેકો આપશે. પોતીકી ભોં કોય દિ’ કોયને જાકારો નથ આપતી, આપે છ તો હોંકારો આપે છ. ઑણ છે એવું પૉર નથી હોતું નૅ પૉર નંઈ.’ ઈ પોતાની ધૂનમાં દીધ્યૅ જતો’તો : કણના મણનૉ જાદુ ભોં સિવાય કોયની કને ભાર્યો? વયૉ આવ્ય. આમૅય હું હંચૉડૉ એકલો પડી ગ્યૉ છે.’ મનૅ થ્યું : આ ખારા તતડિયામાં ઈ કાંય મનૅ વાડી બતાવ્વા નથી જતો. મનનો રવાયૉ કાંક નોંખી જ ઘૂમરીએ ચડેલો છે. મેં ય એની વાતમાં માથું હલાવ્યું. આવું ને આવું મંદું સૂરતામાં રે’શે તો તું કે’ છો એમ જ કરવું પડશે. આવું તો સૂરતમાં ક્યારેય દીઠું નો’તું. હીરામાં તો આવું બને એની કોયને નવાય નથી. પણ આ’ખતે તો ... તળિયાંના નૅ મથાળાંના-બેયના ભાવ... મારી વાત મેક્ય. તારું હવે કેમનું છૅ? ઢૂંહાની પારાણ્ય રે’વા દે. આમૅય હંધું સરસ ગોઠવાઈ ગ્યું છ તો પછે એકલો-એકલો શીદ દખી થા છ? ક્યાંય આછું-પાતળું હજીય.. જેકુર્યમા વાવ-વોવ કરતાં’ર્યા, પણ તેં એની આંખ્યું નૉ ઠારી તે નૉ જ ઠારી, મને તો હેંથકનૉ હરખ છે, ભાભીનાં કંકુપગલાં તારે ઉંબરે પડાવ્વાનાં.’ મોઢાના ભાવ કળવા મેં એની હામૅ જોયું. કાંય ફારફેર નંઈ, નંઈ કાંય વાંકઘોંક! ‘હવે ઈ દિ’ગ્યા. પાંત્રીશૅ પૂગ્યો છૌ. માની ઠાઠડી હારોહાર્ય વળાવ્યું, હંધું.’ એની આંખ્યું, જોનારને નવાણના કોરા તળિયા જેવી લાગે. મને થ્યું : મારાથી બફાઈ ગયું. અમે વૉકળાની એક છીપર ઉપર બેઠા. મારા ખંભે હાથ મેલીને કે’, ‘તને એમ થાતું હશે કે અમારા બાવાની નાત્યમાં કન્યાનો કાળ પડ્યો હશે. એક નંઈ, એકવીશનાં માવતર અમારે ઉંબરે ઠેબાં ખાય ગ્યેલાં, મારી બાયેય ત્રાગાં કરવામાં મણા નો’તી રાખી. ડોશીને આપણો એક જ જબાપ, ‘મોટોભાય પયણીને પછતાણો, હું નો પયણીને પછતાય જૉવ. મનમાં એક જ ગાંઠ : તું બેઠી છૉ ન્યાં લગણ તૉ નંઈ જ.’ ‘તુંય કોડા... ગળઢી જનૅતાની સેવા કરાવ્વા માણહ ફડાકો રાખે, તયેં તું...’ ઈ મારી હામું મૂંગોમૂંગો ક્યાંય લગી તાકી’ર્યો. પછે એક લાંઆંબૉ નિહાકો મેલીને બોલ્યો, ‘કોયને નથ કીધું. તારે હાંભળવું છ? આ વાત તો, પાંચ વરહનો હતો તયુંની ધરબી રાખી છ. હાથળ ઉધાડ્યા કર્યે શું વળવાનું?... નથી રે’વાતું. આજ તારી પાંહે મોકળૉ થાવ છોં... ભાભીને મારી બાએ ઘાસલેટ છાંટી, કાંડી ચાંપેલી, ઉપરથી મોઢામાં ડૂચો ઠાંસી દીધેલો. હાથપગ બાંધેલા, મેં નજરોનજર જોયેલું. મારા ગળામાંથી રાડ્ય નીકળે તી મોર્ય એણે મારું મોઢું દાબી દીધેલું. મને બિવડાવ્યો, કાંય ભહીશ તો ઑલ્યા ખાખી લૂગડાંવાળાં મને ને તને બાંધીને લૈ જાહે ને ઘાણસયે ઘાલીને તેલ કાઢશે... નાનપણમાં આમેય પોલીસનો ભૉ ભારે. પ્રાયમસની ઝાળ... એવાં એવાં ગોઠણેથી ઘડેલાં કારણ. મુખીની રેમનજર. બે દિ’ ગામે વાતું કરી હશે. બધું ધરબાય ગ્યું. મોટો ભાય હંધું હમજે. ઈયે રૉજના ટંટાથી કંટાળેલો. બીજી વાર પૈણવાનું ટળે પાછું, તે ઇયે મૂંગો’ર્યો. આમેય અમારી નાત્યમાં મૂરત્યાની તાણ્ય. ગરજુડાં માવતર બીજવરને પણ હોંશેહોંશે આપે, પૉતાની દીકરી. ઘરઘવણું કર્યું ને આલખેલ્યે ટાણાસર હમજીને અમદાવાદ ભેળૉ થૈ ગ્યો, આજની ઘડી ને કાલ્યનો દિ’!. નાળ્યનાં સગપણનેય નેવે મેક્યાં. ડોશી ગ્યાં-ના વાવડ મેકલ્યા તોય ગામઢાળો પગ નૉ વાળ્યો. નૉ કાગળમાં બે અખ્શર પાડ્યા. રમલા, એમાં મોટાનો વાંક કઢાય એમ નથ્ય... કૅ’ છે કે મરનારના અવગણ નો હંભારાય. પણ માલીપા ભડભડ બળતી આગ્ય બોલાવે છ. ઈ મા નો’તી. જીવતું, હરતુંફરતું મહાણ હતી. મારા બાપા હોતે એની લાયમાં ને લાયમાં કે’છે, ઢબી ગ્યેલા... તોય હાચું માનીશ, એના છેલ્લા સવાસ લગણ મેં એની ચાકરી કરેલી. એનું રતીભારે રણ નૉ રે’વું જોયેં... મહાણેથી એને વળાવીને આવ્યૉ તયેં ગુડાવાળીનૅ પોકેપોકે રોયો. બારખલા હું હમજે? હું તો રોતૉરોતૉ અંતરજામીને રાવ કરતો’તો, ભગવાન્યા, મેં તારું હું બગાડ્યું’તું, તે મારા ભાગ્યમાં આ મા?... મા નંઈ, રઈરઈને મને ઈ ટાણેય ભાભી હાંભરતી’તી. મનૅ હજી ઈયાદ છે એનું મોઢું. કંકુની લોળ્ય. ગાય જોય લ્યૉ. બૌ વા’લ કરતી મને. હું કૌં તને? ઈ ગરીબડી ભાભી માટે આખા જલમારામાં ડોશીએ ખાંડુઆંડુ નથી પાડ્યું... આવું કઠણ કાળજું કોયનું નથ્ય ભાળ્યું, મેં!’ એણે સૂરજ હામે આંગળી ધરી, ‘મારાજ માથૅ આવ્યા છ ને કૌં છંવ. અનાજનો એકાદો કણ પણ હવારથી મારે ખોઢે નથી અડ્યો, તયેં હું, એનો દીકરો ઊઠીનૅ, સગ્ગી જનેતાન...’ એનાથી ડૂસકું મેકાઈ ગ્યું. મેં એના વાંહામાં હાથ ફેરવ્યો. એની આંખ્યમાંથી ડબક ડબક ટીપાં ખરી પડ્યા. એણે ઝટપટ આંખ્યું લૂછી, ‘તને પોતીકો ભાળીને બંધ છલકાય ગ્યો.’ એમ કઈ તે ઊઠ્યો ને મારે ખંભે હાથ રાખીને વાડી કોર્ય હાલવા મંડ્યો. મને તો બોલવાનું જ કાંય હૂઝે એમ નો’ર્યું. હોણેય નો ચડે એવી વાત! એની વાડીના શેઢા ફરતૉ અમે આંટો દીધો. અમને ભાળીને મનકાનો ભાગિયો ટબૂડીમાં ચા લૈ આવ્યો. અડાળીમાં ચા રેડતાં કે’, ‘મનાભાય, બપોરાં હાર્યે કરશું. આમે ય ટેમ થૈ ગ્યૉ છ, નૅ અમને મૅ’માનનો લાભ ... પાછું તમારે ઘિર્યે જઈને...’ ‘આ મે’માન ક્યાંનો? મારો નાનપણનો ગોઠિયો છ, રમભાય. સૂરત ધંધામાં....’ ‘મને ક્યાંલી ખબર્ય હોય?... તમે ધોરિયે હાથ-પગ ધોવો. હું પડામાં રીંગણી વીંણતો આવું. બે રોટલા તૉ તમારી ભાભી ઘડીના છઠ્ઠા ભાગમાં ટીપી નાંખસૅ. ભાગિયો પોરહીલો હતો. જમ્યા. અમે જમી-પરવાર્યા તી પેલ્લા તૉ બાઈ પીપર્ય હેઠ કાથીના બે ખાટલે બે ગોદડાં પાથરીને ઓશીકાં ય રાખતી આવેલી. આમેય ગામ આંયથી ઢૂંકડું નો’તું. આખો વગડૉ ઝાંઝવા-ઝાંઝવાં. આ વાડી સિવાય લીલોતરીનું નાનકું થૂમડુંય નજરે નો’તું ચડતું. આમે ય હમણાં હાલવાની ટેવ જ જતી રે’લી, થાકેય લાગ્યો’તો. મેં ને મનકે બીડી જેગવી ને ખાટલામાં આડે પડખે થ્યા. બે રાશ-વા દિ’ ર્‌યો તયેં અમૅ નળ્યવાળે કેઠેથી હાલ્યા. વાડ્યમાંથી અરણીનાં ફૂલની ભીનીભીની સોડમ છૂટતી’તી. નાનપણમાં બૌ ગમતી. મનો કે’તો, ‘અરણીનૅ આંટી મારે એવું એક્કે ફૂલ નંઈ... પણ ઈ તો એની જ ધૂનમાં ડૂબેલો હતો. મૅળે મૅળે પગ હાલતા’તા, એમ ઈયૅ હાલતો’તો. અણધાર્યો એણે મને ઊભો રાખી દીધો. મારા લેંઘામાં ભરાયેલાં ભંઠિયાં વીણી, વાડ્યમાં નાખીને કે’, ‘તને થાહે કે હું ગોધ્યાની ખેધે પડી ગ્યૉ છ. મારી વાતમાં તનૅ આજ કંટાળોય આવ્યો હશે. હૈયું ઠાલવ્વાનાં ઠેકાણાં ગામને ખાંચૅખાંચૅ તો નથી હોતાં? તારા સિવાય ક્યાં હળવો થાય?... હું, હું ગોધ્યાનું કે’તોતો. ગોધ્યાનો નાનો ભાય માવડિયો છૅ. એની વોવ ઉપર આ ભાય ભમરાની ઘોડ્યૅ આંખ્યું ફફડાવે. બાય કોઠું નો ધે.’ ‘ઈ બાય એટલૅ કોણ, ખબર્ય છૅ? મારી કાકી છે ને, હંસાકાકી, એની સગ્ગી માસીની દીકરી.’ મેં કીધું, ‘ઓળખું ઍનૅ, બૌ રૂડી...’ ‘જગતમાં જનૅતાય થાય છેને, કાંય? નાનો ને એની મા મોકો આપવા જાણૅ પરગામ જતાં’ર્યાં, ઓલ્યાઍ રાત્યે આનું કાંડું ઝાલ્યું ને બાય દોટ મૂકીને ભાગી નૅ ભરાણી ભાગ્ય જોગે મારી ખડકીમાં. ગામમાં સોપો પડી ગ્યેલો. એકેએક ખોરડું નીંદર ખેંચતું’તું ને આ હણકી હાંફતી’તી, મારા બાવણા પછવાડે. હું ભજનમાંથી હજી આવ્યો જ’તો, મારી હામે હાથ જોડીને રગરગી રાખ્શસથી બચાવો : મેં એને હરમત આપી : મારી ખડકીમાં છો ત્યાં લગણ તારું રુંવાડુંય વાંકું નૉ થાય : ગોધ્યાએ મારી ખડકી ઉઘાડી ભાળી પણ પાપી પૂછવા તૉ કેમ કરીને આવે? મેં બાયને કીધું : નો રે’વાય આવા નરકમાં...ઃ મધરાત્ય ભાંગ્યૅ ગેરિયાધાર ને ન્યાંલી છકડો કરીને પૂગ્યાં એને પી’ર, ભળભાંખળે... ન્યાં પૂગ્યાં તો એની, આ બાય... શું નામ, ઉજમ... ઉજમની માઍ તે ઠૂંઠવો જ મેલ્યો : વાટમાં ક્યાંય કૂવા-તળાવેય નૉ મળ્યાં? હું રંડવાળ્ય બાયમાણહ, નૈં નોણું, નૈં ઓથ્ય. હજી આ બબ્બે રંડોસા (દીકરિયું) મારી છાતી હામે ખોડાયેલી છે ને... : આપણને તો વાઢૅ તૉય લોઈ નો નીકળે. કરી છનૅ કાંય કઠણાય! મારા જ ગળામાં નાખ્યો એણે ગાળિયો : મારાજ, તું એનો કાંય થા છ? આંય શું લેવા લાવ્યો? જ્યાંથો લાવ્યો, ત્યાં જ મૂક્યાવ : મેં કાંકરા કાઢીને ઉજમની આપદા ક’ઈ સંભળાવી તો ઈ છેલ્લે પાટલે જઈ બેઠી : બારૅવૉ તો ઉકડ્યે જ નખાય, એને પટારે પુરાય છે? : બોલ્ય, આ મા. ઘંટીનું પડ મારે ગળૅ બાંધવા નીકળી, મારું તો રુંવાડુરુંવાડું હળગૅ. બોલ્યાચાલ્યા વિન્યા થ્યો હાલતો, તો ધોડીને મારું બાવડું પકડ્યું : મારાજ, આમ હારપ લેવી હૅલી છે, એને મારો કે તારો, લેતા જાવ... આ અમે ય ઓછું નથ્ય વેઠ્યું. દેરિયા-જેઠિયા તો અમારે ય હતા. તમારી જેખા મન-મોં આપે પછે આ રાજકુંવરી પોતાના ઘિર્યે ઠરીઠામ ક્યાંથાં થાય? : ને ઓલી ઉજમ, માના ઘરને ઠેબું મારીને થૈ મારી હાર્યે. મને કાંય હુઝકો નો પડે. આ તો ધરમ કરતાં ધાડ પડી! હાર્યે લૈ જાવ તૉ ગોધ્યૉ નૅ હગલાં આને ને મને બેયને પીંખી નાખે, મશની કોઠીમાં આજ દિ’ લગી ઊજળી હબાણ’ર્યો છું. કે છેને, મુંઝારો જ મારગ ચીંધે... છાપાં વાંચવાની લત અટાણે કામમાં આવી. આખો ટંક ઉતારે જૈ છાપું ડીટે-ડીટો વાંચું. માલીપા હબાક વીજળી જૈ. મેં એને કીધું : મુંઝા મા ને રોવાનું બંધ કર્ય. હાલ્ય. હવે ગોધ્યાના ઉંબરે તો ન ચડાય. તે લૈ ગયાં ઠેઠ વઢવાણ, બાયુંની સંવસ્થામાં. એના વાલી તરીખે મેં દસખત કરી દીધાં. સંવસ્થાનાં બેનને માંડીને બધી વાત કરી. મારામાં કાંક હારપ ને કાંક હાચ ઍણે ભાળ્યાં હશૅ તે રાખી લીધી.’ અમૅ નળ્યની બા’ર આવી ગ્યા’તા. પડખૅથી જેકો વાઘરી નીકળ્યૉ. અમને ભાળીનૅ એણે હાંલતા-હાંલતાં રામરામ કર્યા. એ થોડો નીકળી ગ્યૉ પછૅ મનકો બોલ્યો, ‘આના મોઢામાં ભળૅ છ રામનું નામ, ગોધ્યાના મોઢામાં? હાંભળ્ય, પછૅ હું થ્યું? આણે ઉજમનૅ પી’ર જૈ એની મા પાંહેથી ફારગતીય મેળવી લીધી. કે’છે ક, ઉજમનો અંગૂઠો ય એમાં લૈ લીધો છ. પૈસા પાંહૅ એની મા પલળી ગૈ. એનૅ તો બે ટોચાં (દીકરયું)નાં વિવાનો જોગ થૈ ગ્યો, મારા ભૈ. આવી તત્તણ્ય મા મેં જૉય. આવી, જનનીની જોડ્ય, મલકમાં દીવો લૈ ગૌતવ્યા ગ્યે નૈં મળે. અરેરે, ઈ ગીત ચોથામાં ભણતા તયેં ગાતા ને આંખ્યું ઊભરાતી...’ એણે એક લાંબો નિહાકો મેલ્યો, ‘હું તનૅ એક સુવાલ કરું, મા એટલે?’ હું મૂંગો’ર્યો. પોતે ને પોતે પૂછેલા સુવાલનો જબાપ પોતે જ વાળવા માંડ્યો, જાણે, ‘આવીશ મા, જાશ મા, ઊંધીશ મા, ગૉતીશ મા. આમાં મા આવે છ. મા એટલે? મા એટલે મા, મા એટલૅ કાંય નૈં. મેં મારી રીતૅ એનો અરથ તારવી લીધો છ.’ એ પરાણે પરાણે હસ્યો. વળી પાછો ગોધ્યો એને કોઠે આવી અટક્યો, ‘મેં ઉજમને મદદ કરી છ, ઈ એણે જાણ્યું હોયને? તેદૂનો ખારૅ બળે છ. એટલે જ હવારે લીલ ને ચૂડીકરમનો ટોણો મારતો ગ્યેલોને? આલી ખેલે નૅ તી મૉર્ય હોતૅ આવું જ કાંક મરમમાં બોલી ગ્યૅલૉ. બાયને લેવાદેવા વિન્યા કાળી ટીલી લાગે, ઈ બીકૅ હું મૂંગો મુઓ છૌ. મોકો ગોતું છ, દાંતની બત્રીશી વાંહૅ એની હથોડી ઠિશઠિશ કરૅ છ, પણ જ્યેં મારો હથોડો પડશેને?’ એના ઘરનું નાકું આવતાં ઈ ઊભો રૈ ગ્યો. એને પૅલવૅલ્લો આજ આટલો ભાંગલો મેં જોયો. ભીતરનો અગનિ એને પળેપળ દઝાડતૉ’તૉ. કોકને ખંભે માથું મેલીને બે આંહુડાં પાડવાનું ઠેકાણું નૉ હૉય માણહના નસીબમાં... એણૅ મનૅ કહ્યું, ‘ઉપડ્ય. બૌ મોડું કરાવ્યું, તને....’ મેં એને કીધું, ‘મનકા, હાર્યે જ વાળુ કરવીં, હાલ્ય.’ એણે માથું ધુણાવ્યું, ‘ક્યેંક વાત. અટાણૅ નૈં. મને ભાળી ભાભિયું, કથરોટ્યમાં હાથ ધોતકને ઊભી થૈ જાય...’ બારખલાને તૉ એમ જ લાગે, આનાથી પીડા બાર ગાવ છેટી ભાગૅ. હંધું માલીપા ભંડારીનૅ બેઠૉ છ, એવું કોયને નૉ લાગે. તે ગયો. મનૅ રાતભર નીંદર નૉ આવી. મનૅ થતું’તુંઃ ગોધ્યો મારો પિતરાય, મનકો મારૅ કાંય નૈં? પ્રાગડવાસ્યે મેં મનકાની ખડકી ખખડાવી, ‘હું ત્યાર થૈનૅ આવ્યો છંવ. તું દાંતણ કરી, નાઈ લે, ગાડીનું ટાણું છે. તારી ભાભીએ ચા મેકી દીધી હશે, મારે ઘિર્યે આવ્ય. આપણે વઢવાણ જાવું છૅ.’ એ કાંય પૂછે ઈ પેલ્લાં જ મેં કીધું, ‘વઢવાણ એટલે?’ – એમ પાછૉ પૂછીશ મા.’