મરણોત્તર/૨૪
સુરેશ જોષી
મારા પડછાયાના ભારને આધારે મારું નામ મને વળગી રહ્યું છે. મારું મરણ પણ મારા નામને ઉચ્ચારવા મથે છે. નામ સાથે જડાઈ રહેવાની રંુધામણ કોઈ વાર અસહ્ય બની જાય છે ત્યારે કોઈ ન જાણે તેમ આછા સરખા નિ:શ્વાસની ફૂંકે હું એને ઉરાડી મૂકવા જાઉં છું. નામ કોઈ વાર હાથિયા થોરની જેમ ઊગે છે. એના કાંટાળા પંજા ખોલીને એ પોતાની જાહેરાત કરે છે. હું પંજાને મૂઠીમાં વાળી લઈ શકતો નથી.
નામને લીધે જ કેટલું બધું મને વળગતું રહ્યું છે! બાળપણમાં જે નદીમાં રોજ ડૂબકી મારી છે તેનાં ખળખળ વહેતાં પાણી કાંઈ મારું નામ નહોતાં પૂછતાં. વનમાંથી સૂસવાટા સાથે વહી આવતો પવન નામ પૂછવા જેટલુંય થંભતો નહોતો. ત્યારે તો નામનું તણખલું સરખુંય ઊગ્યું નહોતું. પછી એનો ક્યારે દાણો બંધાવા લાગ્યો તે સમજાયું નહીં. નાજુકડા બે હોઠ પરથી નાના પતંગિયા શું ઊડ્યું. પછી વળી કોઈએ એમાં પોતાનો લહેકો ઉમેર્યો. આમ ઘણી બધી માયાનો ભાર એ ઉપાડતું થઈ ગયું. પછી કોઈએ કહ્યું: ‘ચિન્તા ન કરીશ, નાકની નથ સાથે તને સાચવી રાખીશ.’ પણ કોઈ વાર અનેક તાંતણાથી લપેટાતા જતા નામને જોઈને જીવ ગભરાવા લાગ્યો. આ તાંતણા છેદવા જેટલી શક્તિ ક્યાંથી લાવીશ, એવો શાપ આપવા હું કોને ઉશ્કેરી શકીશ? આમ દિવસ જાય રાત જાય અને નામનું વજન વધે. પછી તો એ મારા પડછાયા જોડે સંતલસ કરે. હું ઉશેટું ને પડછાયો એને ઝાલી રાખે. એને ભૂલવા હું મારે હોઠે બીજું નામ રટ્યા કરું. કોઈ વાર ભગવાનનું, કોઈ વાર કોઈને ન કહેવાય એવું બીજું. પણ પછી તો એ દાઝ્યું, ઉઝરડાયું, ઘવાયું – પણ એનું એ રહ્યું. રાતે મધરાતે એકલો જાગું. કોઈ ન જુએ તેમ એને અન્ધકારમાં ઘૂંટીને એક કરી દેવા મથું. પણ પાણીમાં તેલ તરે એમ અન્ધકારમાં એ નોખું તર્યા જ કરે. કોઈ પોતાના નામમાં એને ભેળવી દે એવીય આશા એક વાર સળવળી હતી. પણ પછી તો ઘણાં વર્ષો ત્રોફેલાં છૂંદણાંની જેમ એને છાતીએ ધારણ કરીને ફર્યો. હવે મારામાં બેઠેલું મરણ એના ખોખલા સ્વરે એનું જુગુપ્સાજનક ઉચ્ચારણ કરે છે તેથી અકળાઉં છું. અસહાય બાળકની જેમ આમાંથી બચવા બોલી ઊઠું છું: ‘મૃણાલ!’