મરણોત્તર/૩૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧

સુરેશ જોષી

એકાએક વસ્તુની નક્કર અપારદર્શકતા ઓગળતી જાય છે, રહી જાય છે, માત્ર ન્યૂનતમ અસ્તિત્વની રૂપરેખા.

કેવળ હું મારામાં ગંઠાઈ ગયેલા મૃત્યુના ભાસને લઈ ઊભો છું. આ રૂપરેખા વ્યક્તિત્વના આગવાપણાને ભૂંસી નાખે છે. વૃક્ષ તે વૃક્ષ છે, માનવી તે માનવી છે. નદી થોડી દોડતી રેખાઓ છે. આકારો બધા અબરખના પડ જેવા પાતળા અને બરડ બની જાય છે. પતંગના કાગળ જેવો પવન હાલ્યા કરે છે. પૃથ્વીના બધા જન્મો દૃષ્ટિ આગળ ખુલ્લા પડી જાય છે. ધાતુ, જળ અને ખડકો જ્યાંથી છૂટાં પડે છે તે બિન્દુ પણ દેખાય છે. સમયના થર પણ હળવા બનીને ફરફરે છે. ધરતીકમ્પોનો ઇતિહાસ રેખાઓમાં અંકાઈ જાય છે.

ભૌમિતિક આકારોની એ ભુલભુલામણીમાં વિહાર કરવાને હું મરણને લલચાવું છું, પણ એ એની નક્કરતાને ખોવા તૈયાર નથી. મારેય એની સાથે જડાઈ રહેવું પડે છે. રેખાઓની થંભી ગયેલી ગતિનો નકશો હું જોઈ રહું છું. ઈશ્વરના સંચારનાં પગલાં પણ અહીં ઉકેલી શકાય છે. સૂર્યચન્દ્રનાં બે ટપકાંને હવે કોઈ નાનું બાળક રમતમાં અહીંથી તહીં ખસેડી શકે એમ છે. રેખાઓનું આ જંગલ જોતાં એમાંથી કોઈ ભાતને ઉપસાવવાનું અળવીતરું મારું મન કરવા તૈયાર થઈ જાય છે. પણ ઈશ્વરનો અદૃશ્ય તર્જનીસંકેત એને મના કરે છે.

કદાચ રાત્રિનો શેષ પ્રહર પ્રભાતના પ્રથમ પ્રહરને મળે છે ત્યારે હંમેશાં સૃષ્ટિ એના આ આદિ સૂક્ષ્મ રૂપમાં સરી જતી હશે. માનવો, પ્રેતો અને દેવો થોડી ક્ષણને માટે એકબીજામાં ભળી જતી રેખાઓ બની રહેતા હશે. વાતાવરણના પારદર્શક આવરણ નીચે આ બધું ઢંકાઈને રહ્યું છે.

જો આ વાતાવરણને ચીરીને ફેંકી દઉં તો એનું રક્ષણ જતું રહેતાં આ બધી રેખાઓ રજ રજ થઈને ઊડી જાય, એ જોઈને હાંફળોફાંફળો ઈશ્વર એ બધું એકઠું કરવા દોડાદોડ કરી મૂકે, પહેલી વાર એને કપાળે ચિન્તાની રેખા પડે, પછી શંકરનું ડમરું ફરી બજી ઊઠે, એની આજુબાજુ થોડા અશરીરી અવાજો એકઠા થાય, એની લંબાયેલી શ્રુતિઓ થોડી રેખાઓને એકઠી કરે, એમાંથી વળી આકાર ઊપસવા માંડે, અને પહેલો આકાર જોઈને હું બોલી ઊઠું: ‘મૃણાલ?’