મરણોત્તર/૪
સુરેશ જોષી
બેચાર લાગણી મરણની નજર ચુકાવીને ભાગી જવા ઇચ્છે છે. હું જોઈ રહું છું: થથરતી કંપતી લાગણીઓ. પોતાનું મોઢું પણ પૂરું કળાવા દેતી નથી. મરણના ઝેરી ઉચ્છ્વાસથી મુક્ત થઈને એ થોડી વાર સ્વચ્છ વાતાવરણની સપાટી પર આવવા ઇચ્છે છે. મારી અને લાગણીઓ વચ્ચેનો તન્તુ હું કોઈક વાર સાંધવા જાઉં છું અને મરણ એ તડ્ દઈને તોડી નાખે છે. એનો તૂટવાનો અવાજ મારા જ્ઞાનતન્તુઓમાં વીજળીના આંચકાની જેમ વ્યાપી જાય છે. આ લાગણીઓ – કેવી કૃશ બની ગઈ છે! નથી એને પોષણ મળ્યું હાસ્યનું કે નથી એને પોષણ મળ્યું આંસુનું. નિર્જન વિસ્તારમાં પડેલી શિલાની જેમ હું મારા ભાર નીચે કચડાતો પડી રહું છું. સૂર્ય મારી સાથે પછડાય છે, ચન્દ્રની કચ્ચરો મને ખૂંચે છે. પવન મારી સાથે ઘસાઈ ઘસાઈને બધું આળું બનાવી દે છે. પણ આવી કોઈક ક્ષણે, ક્યાંકથી પથ્થરમાં જેમ ઉલ્કાનું સ્મરણ જાગે તેમ આ લાગણીઓ જાગી ઊઠે છે ને હું મારી દૃષ્ટિ સામેના સમુદ્રનો આભાસ સજીવ થઈ ઊઠતો જોઉં છું. એ નાની સરખી આંખ બની જાય છે. એમાં માયા છે કે કરુણા, પ્રીતિ છે કે ઉદાસીનતા, પ્રતીક્ષા છે કે ઉપેક્ષા તે હું કળી શકતો નથી. એ મારી સામે જોતી છતાં મને વટાવીને ક્યાંક દૂર જાણે દોડી રહી છે. હું એને રોકી લઈ શકતો નથી, અને એની દૃષ્ટિસીમાની બહાર પણ ચાલી જઈ શકતો નથી, એ આંખ વાચાળ નથી. એની સ્નિગ્ધતા કોણ જાણે શાથી મને સ્પર્શતી નથી. એ આંખમાંથી આંસુની ઝાંય ભૂંસાતી નથી. આવરણને કારણે હું એમાં પ્રવેશી શકતો નથી. મારું પ્રતિબિમ્બ એમાં દેખાતું નથી. કેટલી ભંગુર લાગે છે એ આંખ. જાણે આંગળી અડતાંની સાથે જ ભાંગી પડશે! એ બીકે જ હું એ આંસુની ઝાંયને અળગી કરવાની હિંમત કરતો નથી, અને એથી જ એ આવરણની બહાર રહી જાઉં છું. આટલું આછું સરખું આવરણ જો તૂટે તો કદાચ એ આંખના કિનારા આનન્દની ભરતીથી છલકાઈ ઊઠે, તો કદાચ એ આંખના અતલ ઊંડાણમાં હું સુખથી લય પામી શકું, તો કદાચ આ મરણ ગૂંગળાઈ ઊઠીને મારામાંથી ભાગી જાય. એકાએક મારી પાસેથી પાંખ ફફડાવીને કોઈ પંખી ઊડી જાય છે. મને એનું ભાન થાય તે પહેલાં હું પૂછી નાખું છું: ‘કોણ, મૃણાલ?’