મર્મર/કાશી
કાશી
પ્રાચીન આ પુરી પવિત્ર પ્રશસ્ત ધામ,
ભાગીરથી ધવલ ઉજ્જવલ નીર તીર.
જ્યાં ઠેર ઠેર બસ ગંદકીના મુકામ;
પાખંડ જ્યાં વિચરતું ધરી ધર્મચીર.
ઘાટે પવિત્ર (!) શિરકેશ મૂંડેલ ઊડે
પાણી નહીં ગટરવારિથી ઓછું મેલું,
પુણ્યાર્થ સ્નાન કરવા કશું લોક ઘેલું!
ન્હાતી સ્ત્રીઓ તરફ નફ્ફટ દૃષ્ટિ દોડે.
ટાળો મળે ન, યદિ સાંઢ મળે ગલીમાં!
જૂતાં મળે ન યદિ મંદિર બ્હાર મૂક્યાં;
રોગી ભિખારી રખડે (પ્રભુદૃષ્ટિ ચૂક્યાં!).
શાસ્ત્રાર્થ? ના, વચન વિપ્રમુખે સીધાનાં.
પ્રાચીન સંસ્કૃતિ તણું પુર કાશી દીઠું,
શ્રદ્ધાનું સ્વર્ગ, પ્રભુવંચિત પાપપીઠું!